Get The App

ખરોડ(કૃષ્ણપુરા) ગામે રસ્તા પર પાણીનો નિકાલ ન થતાં હાલાકી

Updated: Jul 24th, 2024

GS TEAM

Google News
Google News
ખરોડ(કૃષ્ણપુરા) ગામે રસ્તા પર પાણીનો નિકાલ ન થતાં હાલાકી 1 - image

- મંદિરથી પીકઅપ સ્ટેન્ડે જવું દોઝખ બન્યું

- રજૂઆત કર્યાને 10 દિવસ થવા છતાં તંત્રની આળસના લીધે સમસ્યા ઉકેલાતી જ નથી

વિરપુર : વિરપુર તાલુકામાં ઘણા સમયથી વરસાદ વરસ્યો જ નથી. છતાં ખરોડ(કૃષ્ણપુરા) ગામે મંદિરથી પીકઅપ સ્ટેન્ડ જવાનાં રસ્તા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણીનો જમાવડો થયેલો છે. ત્યારે અહીંથી પસાર થવામાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 

ખરોડ (કૃષ્ણપુરા) ગામના રસ્તા પર જ તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાય સમયથી રસ્તા પર પાણીનો ભરાવો થતા ગ્રામજનોને અવર જવર કરવામાં અને નાના બાળકોને શાળાએ જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે.વાહનચાલકો આ રસ્તા પર જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ત્યારે ગામની મહિલાઓને ડેરીમાં દૂધ ભરવા જતા સમયે રસ્તા પર પગ સ્લીપ ખાવાને કારણે દૂધ પણ રસ્તા પર રેલમછેલ થવા સાથે નુકસાની વેઠવી પડે છે. ચાંદીપુરા સહિતના રોગચાળાની દહેશત વચ્ચે ખરોડ (કૃષ્ણપુરા) ગામે પાણીના જમાવડાને કારણે ગંદકી તો વધી જ રહી છે.

પરંતુ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે. આ બાબતે ગ્રામ પંચાયતને પણ ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં કોઈ કારણોસર આ રસ્તા પરના પાણીનો નિકાલ થવા પામ્યો નથી. ત્યારે વિરપુર મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુવાત કરી રસ્તા પરના પાણીનો નિકાલ કરવા માટે માંગણી કરવામાં આવી છે. જેને ૧૦ દિવસ વિતવા છતાં તંત્ર પણ આ સમસ્યા ઉકેલવામાં આળસ કરી રહ્યું છે.