વસો તાલુકાના ખાંધલી ગામે પીવાના પાણીની લાઇન વારંવાર તૂટતા હાલાકી
- પીવાનું પાણી દુષિત આવતું હોવાની ગ્રામજનોની રજૂઆત
- અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી આવે છે પ્રદુષિત પાણીને લઇને રોગચાળો ફેલાવાની ભીતિ
વસો તાલુકાના ખાંધલી ગામે પીવાના પાણીની મુશ્કેલી નિવારવા ખેડા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ નડિયાદ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના હેઠળ ૧૦ ટકા ગ્રામ ફાળા સહિત રૂ.૩૯,૨૮,૦૯૧૨ ની પાણી યોજના વર્ષ ૨૦૨૦-૨૧ માં મંજુર કરવામાં આવી હતી.
જેમાં એક લાખની લિટરની આરસીસી ઊંચી ટાંકી, બે લાખ લિટરની આરસીસી ભૂગર્ભ સંપ, ૧૧૦ મીમીની ૧૯૪૦ મી. લાંબી રાયઝિંગ મેન પાઇપલાઇન, સ્વીચ રૂમ,પંપિંગ મશીનરી તેમજ ૧૮૦ ઘરના નળ કનેક્શનના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વોટર વર્કસ શરૂ થતા પીવાના પાણીની સુવિધા મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે વોટર વર્કસથી પાણી વિતરણ કરતી પાઇપલાઇન ટૂંકા સમયગાળામાં તૂટી જવા પામી હતી. છાસવારે પાઈપલાઇન તૂટી જવાનું કારણ શું ? તેની ગુણવત્તા સામે ગ્રામજનોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ઉપરાંત પાઇપલાઇન નિયત ઊંડાઈમાં નાખવાના ન આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સત્તાધીશો દ્વારા છાસવારે તૂટી જતી પાઇપલાઇનનું કાયમી નિરાકરણ લાવવા માંગણી ઉઠવા પામી છે.
વાસ્મો તેમજ તાલુકા પં.માં રજૂઆત કરી છે : સરપંચ
વસો તાલુકાના ખાંધલીમાં લાખો રૂપિયાના ખર્ચે વોટર વર્કસ તેમજ પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ પાઇપલાઇનનું છાશવારે સમારકામ કરવા છતાં લીકેજ થતી હોય છે. આમ છતાં જે લીકેજ છે તેનું સમારકામ કરવામાં આવશે તેમજ સમગ્ર બાબત અંગે વાસ્મોના અધિકારીને તેમજ ટીડીઓ વસોને રજૂઆત કરી હોવાનું સરપંચે જણાવ્યું છે.