Get The App

સત્યા માઈક્રો કેપિટલમાં કર્મીએ 4.33 લાખની ઉચાપત કરી

Updated: Aug 25th, 2024

GS TEAM

Google News
Google News
સત્યા માઈક્રો કેપિટલમાં કર્મીએ 4.33 લાખની ઉચાપત કરી 1 - image

- નડિયાદના શ્રેયસ ગરનાળા પર આવેલી

- 57 લોન ધારકો પાસેથી ઉઘરાવેલા નાણાં કંપનીમાં જમા ન કરતા ફરિયાદ 

નડિયાદ : નડિયાદના પીજ રોડ પર લાલવાણી કોમ્પ્લેક્સમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ ૫૭ મહિલા લોન ધારકો પાસેથી હપ્તા પેટે કુલ રૂ. ૪.૩૩ લાખ ઉઘરાવી કંપનીમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

નડિયાદના શ્રેયસ ગરનાળાની ઉપર આવેલા લાલવાણી કોમ્પ્લેક્સમાં આવેલી  ખાનગી ફાઈનાન્સ કંપની સત્યા માઈક્રો કેપિટલ લિ.ની બ્રાન્ચમાં સંજય કિરીટ ચૌહાણ (રહે. શીલી, તા.ઉમરેઠ) તા. ૨૧ જૂન ૨૦૨૧થી નોકરી કરતો હતો. તે ફાઈનાન્સ કંપનીમાંથી ઈચ્છુકોને લોન આપવાની સાથે આપેલા લોનના હપ્તાની લોનધારકો પાસેથી ઉઘરાણી કરવાનું કામ કરતો હતો. 

સંજયે પોતાના ફરજકાળ દરમિયાન ફાઈનાન્સ કંપનીમાંથી દક્ષાબેન રાવળ, રાધાબેન ગોહેલ, ગીતાબેન ગોહેલ સહિત કુલ ૫૭ મહિલાઓને લોન અપાવી હતી. જેમની પાસેથી હપ્તા પેટે કુલ રૂ. ૪,૩૩,૯૩૧ ઉઘરાવ્યા હતા પરંતુ તેને કંપનીમાં જમા કરાવ્યા ન હતા.  કંપની દ્વારા મે-૨૦૨૩માં ઓડિટ કરાવતા બાકી લોન ધારકોનો આંકડો મોટો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે કંપનીએ તપાસ કરાવતા સંજય ચૌહાણે ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમજ કંપનીના સ્ટેટ હેડ રવિરંજન રઘુવંશ તિવારીએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.