Get The App

ડભાણ ગામની જય અંબે સ્પાઇસીસ ફેક્ટરી મંજૂરી વગર ચાલતી હોવાનું ખૂલ્યું

Updated: Oct 3rd, 2024

GS TEAM

Google News
Google News
ડભાણ ગામની જય અંબે સ્પાઇસીસ ફેક્ટરી મંજૂરી વગર ચાલતી હોવાનું ખૂલ્યું 1 - image

- રૂપિયા 9 લાખનો 2600 કિલો કાળા મરીનો શંકાસ્પદ જથ્થો જપ્ત

- ગુંદર, સ્ટાર્ચથી કોટિંગ, ઓઈલ પોલિસ દ્વારા મરીનું વજન વધારાતું હોવાનો ઘટસ્ફોટ : ખેડા જિલ્લો અખાદ્ય સામગ્રીના ઉત્પાદનનો હબ બન્યો

નડિયાદ : નડિયાદના ડભાણ ગામની સીમમાં આવેલી જય અંબે સ્પાઈસીસ ફેક્ટરીમાંથી કાળા મરીનો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. તપાસ દરમિયાન ફેક્ટરી લાઈસન્સ વગર ચાલતી હોવાનું પણ ખૂલ્યું છે. ત્યારે તંત્રએ ફેક્ટરીના માલિકની હાજરીમાં કાળા મરી સહિતના પાંચ નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા હતા. બાકીનો આશરે રૂા. ૯ લાખનો ૨૬૦૦ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદના ડભાણ ગામની સીમમાં સર્વે નં.૪૩૪માં આવેલી જય અંબે સ્પાઇસીસમાં નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ફેક્ટરી પાસે એફએસએસએઆઈનું લાઈસન્સ ન હોવાનું ખૂલ્યું હતું. તપાસમાં જય અંબે સ્પાઈસીસ ગોડાઉનમાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર હતા. ત્યારે સ્થળ તપાસ દરમિયાન કાળા મરીનું રૉ-મટિરિયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર, સ્ટાર્ચ પાવડરનું કોટીંગ બાદ ઓઈલમાં પોલીશ કરી માલનું વજન વધારે પકડાય તે મુજબની કામગીરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. તંત્રએ માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરીમાં કાળા મરી, સ્ટાર્ચ પાઉડર, ઓઈલ અને ગુંદરના પાંચ નમુના લીધા હતા. જ્યારે બાકીનો આશરે ૨૬૦૦ કિલો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૯ લાખ ગણી તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં જપ્ત કરાયો હતો. હાલ તો ફૂડ વિભાગે તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. 

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં એક બાદ એક અખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. અગાઉ હળદર, મરચુ, ઘી, સીરપ સહિતના ઉત્પાદનોમાં મિલાવટ થતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફૂડ વિભાગની નિષ્ક્રિયતાના કારણે આવા એકમો ઠેર ઠેર ચાલી રહ્યા હોવાની પણ ચર્ચાઓ છે.