Get The App

પેવરબ્લોકનો અન્ય સ્થળે ઉપયોગ કરી દીધો હોવાનો આક્ષેપ કરાયો

Updated: Aug 13th, 2024

GS TEAM

Google News
Google News
પેવરબ્લોકનો અન્ય સ્થળે ઉપયોગ કરી દીધો હોવાનો આક્ષેપ કરાયો 1 - image

- કોટલીંડોરા પ્રાથમિક શાળામાં નંખાયેલા 

- ગામના રહીશની ટીડીઓને રજૂઆત જવાબદારો સામે કાર્યવાહીની માંગ  

ડાકોર : ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગામની પ્રાથમિક શાળામાં નખાયેલા પેવર બ્લોક ભાજપના આગેવાને શાળામાંથી ઉપાડીને ગામના અન્ય વિસ્તારમાં નાખી ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાં કામ લખાવી દીધું હોવાના આક્ષેપ સાથે ગામના રોહિત મનુભાઈ નાથાભાઈએ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી. 

ઠાસરા ટીડીઓને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, કોટલીંડોરા પ્રાથમિક શાળામાં થોડાક વર્ષો પહેલા સરકારની એટીવીટી યોજનામાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા.  શાળાના કમ્પાઉન્ડનો ભાગ નીચાણવાળો હતો જેને કારણે શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતા હતા. જેથી શાળાના મુખ્ય શિક્ષકે એક વર્ષ પહેલા પેવર બ્લોક ઉખાડીને શાળાની પાછળના ભાગે મુકી રાખ્યા હતા.  પરંતુ શાળામાં કોઈ ગ્રાન્ટ આવી ન હતી. માટે ફરીથી એ બ્લોક નાખ્યા વગર પડી રહ્યા હતા. જે બ્લોક કોટલીંડોરાના એક ભાજપના આગેવાને શાળામાંથી ઉપાડીને ગામના અન્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાં કામ લખાવીને ઉપયોગ કરી લેવાતા ગામ કોટલીંડોરા ગામે ચર્ચાનો વિષય બન્યો હતો. 

આ અંગે બ્લોક ચોરીની ફરિયાદ, જે તે એજન્સી દ્વારા આ કામ કરવામાં આવ્યું છે તે કામના સરકારી નાણાં જૂના મટીરીયલનો ઉપયોગ કરી બીલ ઉપાડી લીધા હોવાની આશંકા હોવાથી તે એજન્સી સામે પણ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

આ બાબતે ઠાસરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ફરિયાદની જાણ થયા પછી તપાસ શરૂ કરી છે અને તપાસ પછી આગળની કાર્યવાહી કરીશું.

આ  બાબતે તાલુકા એન્જીનીયર ઋષિભાઈ દનાકે જણાવ્યું હતું કે, બીલ લખ્યું છે કેમ તેની જાણકારી નથી. તપાસ કરાવી જણાવું તેવો સરકારી જવાબ આપ્યો હતો.