ઠાસરામાં ટાવર વિસ્તારથી પરબડી સુધીના મુખ્ય માર્ગનંડ બંધ કામ એકાએક શરૂ કરાયું
- મહિનાથી કામ અટકતા હાલાકી પડતી હતી
- કામગીરી શરૂ થતા વેપારીઓ ચાર દિવસ સુધી સ્વેચ્છીક પણે વેપાર અને ધંધા બંધ રાખશે
ઠાસરા, તા.5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
ઠાસરા શહેરમાં ટાવર વિસ્તારથી પરબડી સુધીના મુખ્ય માર્ગ પર કામકાજ ચાલતું હોવાથી તે વિસ્તારમાં અવરજવર અશક્ય બની છે. મહિનાથી અટકેલું આ કામકાજ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતા આજે તંત્ર હરકતમાં આવી ગયું છે અને અહીં કામકાજ આરંભી દેવાયું છે. આ સંજોગોમાં વેપારીઓએ આજથી ચાર દિવસ સુધી દુકાનો માટે સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. સ્થાનિકો દ્વારા રોડની કામગીરી સાથે ડ્રેનેજ રિપેર અને ટેલિફોન વાયર-વ્યવસ્થા સહિતની અનેક માગણીઓ કરવામાં આવી છે.
ઠાસરા શહેરમાં ટાવરથી મુખ્ય બજાર પરબડી સુધીના માર્ગ પર ભારે કામકાજ ચાલી રહ્યું છે. વહેલીતકે આ કામકાજ પૂરું થઈ જાય તે માટે વેપારીઓએ સ્વયંભૂ બંધ જાહેર કર્યો છે.
રોડની કામગીરીમાં વેપારી અને લોકોની અવરજવર અડચણરૂપ ન બને તે માટે સ્થાનિકો દ્વારા આ બંધની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારથી સોમવાર સુધી સળંગ ચાર દિવસ બજારની દુકાનો બંધ રહેવાની છે, તેમાં ફક્ત દવાની દુકાનો ચાલુ રહેશે.
પરબડી પાસે ગટરનાં પાણી ઊભરાય છે અને ત્યાં રોડની કામગીરી પણ ચાલે છે. આ જગ્યાએ ટેલિફોનના વાયરો પણ ખુલ્લામાં પડી ગયાં છે તેની ટેલિફોન ખાતાવાળા દરકારલે તેવી લોકમાગ અહીં પ્રબળ બની છે.
રોડ બનતાં પહેલાં ડ્રેનેજ લીકેજ હોય તેવા તમામ સ્થળોએ સમારકામ કરી દેવામાં આવે તેવી સ્થાનિક રહેવાસીઓની માગણી છે. જેસીબી મશીનોદ્વારા રોડ તોડવામાં આવે ત્યારે સાથે રોડ નીચેની ગટરલાઈનો અને ટેલિફોનના વાયરોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા અનુભવી કર્મચારીઓને પણ ત્યાં હાજર રાખવામાં આવે તેવી નગરજનોની માગણી છે.