Get The App

નડિયાદ પશ્ચિમમાં યુવકે ફલેટમાં ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

- બેન્કની લોન ભરપાઇ ન કરી શકતા પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક અનુમાન : પોલીસે લાશ પીએમ માટે મોકલી

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
નડિયાદ પશ્ચિમમાં યુવકે ફલેટમાં ગળાફાંસો ખાઇ લેતા ચકચાર 1 - image


નડિયાદ, તા.26 જૂન 2020, શુક્રવાર

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ફ્લેટમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે.  બેંકમાંથી લીધેલ લોન ભરપાઇ ન કરાતા યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર આવેલ શિલ્પવાટિકા એપાર્ટમેન્ટમાં  ૪૦ વર્ષિય જીતેન્દ્રભાઈ વાઘેલા રહેતા હતા. તેમને મોબાઈલ ખરીદવા માટે બેંકમાંથી લોન લીધી હતી. લોકડાઉનના કારણે બેકાર  બનેલા જીતેન્દ્રભાઇ છેલ્લાં ત્રણ મહિનાથી ઘરે હતા. આથી લોનના હપ્તા ભરપાઈ ન કરી શકતા છેલ્લા એક અઠવાડીયાથી બેંક તરફથી  પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આજે સવારે તેઓ ઘરે એકલા હતા અને તેમની માતા બેંકના કામ અર્થે બહાર ગયા હતા. તે સમયે જીતેન્દ્રભાઈએ પંખા સાથે લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

તેમની માતા બહારથી કામ પતાવી ઘરે પરત ફર્યા ત્યારે પુત્રને મરણ ગયેલ જોતા તેને તરત બૂમાબૂમ કરી મૂકી હતી. આથી આસપાસના રહીશો જીતેન્દ્રભાઇના ઘરે આવી પહોંચ્યા હતા. તેમને તરત જ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં જીતેન્દ્રભાઇના મૃતદેહને ઉતારીને લાશનો કબજો લીધો હતો. અને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. 

આ બનાવ અંગે મરણ જનાર જીતેન્દ્રભાઇના માતા પુષ્પાબેને જણાવ્યું હતું કે, લોકડાઉનના ગાળા દરમ્યાન તેઓ બેકાર બન્યા હતા અને બેંક તરફથી અવારનવાર લોનની ઉઘરાણી કરવામાં આવતી હતી જેના કારણે દિકરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ બનાવ અંગે પુષ્પાબેન રજનીકાંત વાઘેલાની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે  ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :