Get The App

નડિયાદમાં પાલિકા તંત્ર હવે ઢોર ડબ્બા બનાવવા માટે જગ્યા શોધવા નીકળ્યું

Updated: Oct 31st, 2023

GS TEAM

Google News
Google News
નડિયાદમાં પાલિકા તંત્ર હવે ઢોર ડબ્બા બનાવવા માટે જગ્યા શોધવા નીકળ્યું 1 - image

- રખડતા પશુ અંગે હાઇકોર્ટની ફિટકાર બાદ

- રિપોર્ટ આપ્યાં બાદ પાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરાય તેવા લોકોના આક્ષેપ 

નડિયાદ : નડિયાદમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટના આકરા વલણ બાદ સફાળા જાગેલા તંત્રએ કામગીરી અંગેનો રિપોર્ટ બતાવવા માટે ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે તંત્ર પાસે પૂરતી વ્યવસ્થા ના હોવાથી તંત્ર દ્વારા નવા ઢોરડબ્બાં બનાવવા માટેની જગ્યાની શોધખોળ શરૂ કરાઈ છે. જેથી શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે.  

નડિયાદ શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને લઈને હાઇકોર્ટના આકરાં વલણ બાદ સફાળા જાગેલા તંત્રએ હાઈકોર્ટમાં કામગીરી કર્યાનો રિપોર્ટ કરી શકે તે માટે છેલ્લા ત્રણ દિવસથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર પાસે નગરમાં જેટલાં રખડતાં ઢોર છે એની સામે એને પુરવાની કોઈ વ્યવસ્થા નથી.  ત્યારે હવે  તંત્રએ નગરમાં નવા ઢોર ડબ્બા બનાવવા માટે જગ્યાની શોધ શરૂ કરી છે.

પશ્ચિમ વિસ્તારમાં સાવલિયા પમ્પિંગ  સ્ટેશન પાસે તેમજ પૂર્વ વિસ્તારમાં ખેતા તળાવ નજીક તંત્ર દ્વારા નવા ઢોર ડબ્બા બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઢોરને પૂરવા પાણી સહિતની વ્યવસ્થા કરવાની પણ તૈયારી છે પરંતુ હજુ સુધી શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને લઈને લોકોના મનમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

 ચોક્કસ વિસ્તારોમાં રખડતા ઢોરની સ્થિતિ જેવી હતી તેવી જ છે. ત્યારે આ કામગીરી માત્ર હાઇકોર્ટમાં રિપોર્ટ કરવા પૂરતી જ સીમિત હોય તેવો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો  છે. હાઇકોર્ટમાંથી રાહત મળ્યા બાદ ફરીથી સ્થિતિ જેવી હતી તેવી જ થઈ જશે તેવા આક્ષેપો શહેરીજનોએ લગાવ્યા છે.