નડિયાદ શહેરમાં રસ્તા પર પડેલા ભૂવા અને ખાડાં પૂરવા સૂચનાઓ અપાઈ

- જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગે બેઠક મળી
- ગુતાલ, પીજ રોડ, ડભાણ પર આવેલા બ્રિજની ઊંચાઇ બાબતે પણ ચર્ચા કરાઈ
શહેર અને હાઈવે પર ખાડાંને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે આ સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવા બેઠકમાં ચર્ચા થઈ હતી અને જરુરી સૂચનાઓ અપાઈ હતી. કલેકટર કે.એલ.બચાણીએ કહ્યું કે, રોડ સેફ્ટીના દરેક મુદ્દા સાથે વ્યક્તિઓનુ જીવન જોડાયેલુ છે, અને એ વ્યક્તિ સાથે તેના પરિવારનુ જીવન જોડાયેલુ છે તેમ જણાવ્યું હતું. પરંતુ આ ખાડા પુરવામાં તંત્ર કેમ નિરસમયતા દાખવે છે તે સવાલ ચર્ચાના એરણે ચડયો છે. રોડ સેફ્ટીની મીટીંગમાં નેશનલ હાઈવે પર સી.સી.ટી.વીની કામગીરી અંગે, માતર-વડાલા પાટીયા પર સવસ રોડ બાબતે, નડિયાદ કપડવંજ રોડ તેમજ નડિયાદ બસ સ્ટેન્ડની બહાર શ્રેયસ ગરનાળામાં પડેલ ખાડા પુરવા અંગે, જિલ્લામાં આવેલ શાળાઓમાં માર્ગ સલામતી માટે થયેલ કામગીરી, માર્ગ પર રખડતા ઢોર, રસ્તા પર આવતી સ્કૂલો માટે સાઇન બોર્ડ, ગુતાલ- પીજ રોડ -ડભાણ પર આવેલા બ્રીજની હાઇટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે રોડ સેફ્ટી માટે રસ્તામા પડતા ભુવા અને ખાડા પુરવા તેમજ રખડતા ઢોરની કામગીરી માટે સંબધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

