નડિયાદમાં છાત્રો પાસે સહાયના ફોર્મની વધુ રકમ ઉઘરાવતા 5 ઝડપાયા
- ચેરિટેબલ ટ્રસ્ટનો સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો
- પોલીસે દુકાનમાં દરોડા પાડી પાંચ મહિલા સહિત ૬ શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી
નડિયાદ, તા.28 જુલાઈ 2020, મંગળવાર
નડિયાદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાં એજ્યુકેશન સહાયના ફોેર્મ વિતરણ કરતી એક દુકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. જેમાં આ ટ્રસ્ટના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ ફીના નામે વધુ રકમ ઉઘરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે પાંચ મહિલા અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે આ ટ્રસ્ટના સંચાલક રાતોરાત ગાયબ થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ સિલ્વરલાઈન કોમ્પલેક્ષમાં યુ-૨૧ નંબરની દુકાનમાંવિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચાલુ છે. અહી વિદ્યાર્થીઓને એજ્યુકેશન સહાય ફોર્મનું વિતરણ કરવામાં આવતું હતું. જેમાં કોઇ એક ટ્રસ્ટ બનાવી સંચાલકે પાંચ મહિલા અને એક પટાવાળાને કર્મચારી તરીકે રાખ્યા હતા. આ ટ્રસ્ટમાં ખેડા આણંદ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના કોઇપણ જ્ઞાાતિના વિદ્યાર્થીઓને એજ્યુકેશન સહાય આપવામાં આવતી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. અરજદારોને મફતમાં મળતા ફોર્મ રૃા. ૫૦માં આપી વધુ રૃપિયા પડાવતા હોવાનો આક્ષેપ થયો હતો. આ ગોરખધંધા ઉપર આજે નડિયાદ શહેર પોલીસે દુકાનમાં જઇને રેડ કરી હતી. જેમાં એજ્યુકેશન સહાયના ફોર્મ વિતરણ કરતી પાંચ મહિલા કર્મચારીઓ અને એક પટાવળાને ઝડપી પાડયો છે. પોલીસ ટીમે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનામાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એસ.જે.પટેલ ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.