- પતિએ કુહાડીના ઘા ઝીંકતા ગંભીર ઇજા
- 25 દિવસથી ભાવનગરનો જમાઈ અને દીકરી સાસરીમાં રહેતા હતા ત્યારે ઝઘડો થયો
માતર ખ્રિસ્તી લોકોના સ્મશાન પાસે નગરીમાં રહેતા જશુભાઈ વીરસીંગભાઇ દેવીપુજકની દીકરી શીતલબેનના લગ્ન છ વર્ષ અગાઉ પાટણા શાંતિનગર (જી. ભાવનગર) રહેતા રોહિત દલસુખભાઈ સાંથલીયા દેવીપુજક સાથે થયા હતા. જેને લગ્ન જીવનમાં એક દીકરી સંજના (ઉં.વ. ૩) તથા ભોલુ (ઉં.વ.૨) દીકરો હતા. પચીસ એક દિવસથી જમાઈ અને દીકરી માતર સાસરીમાં રહેતા હતા. છેલ્લા ત્રણેક દિવસથી જમાઈ રોહિતભાઈ પત્ની શીતલબેન પર તું ભાયડા કરે છે તેવો ખોટો વહેમ રાખી ઝઘડા કરતો હતો.
જમાઈ પત્ની સાથે ઝઘડો કરી રિસાઈને જતો રહેતા તેને તા.૫/૮/૨૪ના બપોરે શોધી લાવ્યા હતા. અને જમાઈ અને દીકરીને તેમના ગામ મોકલવા ગાડીનું ભાડું નક્કી કરતા હતા. ત્યારે ઘર આગળ બેઠેલી શીતલ સાથે ઝઘડો કરી જમાઈ રોહિતભાઈએ પત્નીને માથામાં કુહાડીના ઊંપરા છાપરી બે ઘા મારતાં શીતલબેન (ઉં.વ.૨૪) નું ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આમ વહેમીલા પતિએ પત્નીના ચારિત્ર પર ખોટો વહેમ રાખી કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે મરણ જનાર દીકરીના પિતા જશુભાઈ વીરસીંગભાઈ દેવીપૂજકની ફરિયાદના આધારે માતર પોલીસે રોહિતભાઈ દલસુખભાઈ સાથલીયા દેવીપુજક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


