ખેડા જિલ્લામાં આજથીકન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આખો દિવસ દુકાનો ચાલુ રહેશે
- લૉકડાઉન-પાંચમાં છૂટછાટોમાં વધારો કરાયો
- શહેરી વિસ્તારોમાં સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી અને ગામડાંઓમાં રાત્રે 8 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે
નડિયાદ, તા.31 મે 2020, રવિવાર
ખેડા જિલ્લા કલેક્ટરે આજે લોકડાઉન-પનું વિશાળ છૂટછાટો આપતું જાહેરનામું બહાર પાડયું છે. જેમાં આગામી જૂનના અંત સુધી આવશ્યક સિવાયની પ્રવૃત્તિઓ માટે સવારના પ થી રાતના ૯.૦૦ સુધી કરફ્યુમુક્તિ આપવામાં આવી છે. કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાય તમામ શહેરી વિસ્તારોમાં સવારે ૮ થી સાંજે ૭ સુધી અને ગામડામાં રાત્રે ૮ સુધી બજારો ખુલ્લા રાખી શકાશે. જો કે હજુ પણ મલ્ટીપ્લેક્ષ થિયેટરો, જીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો,સ્વીમીંગપુલ,જાહેર બગીચાઓ, જોવાલાયક સ્થળો વગેરે ઉપર પ્રતિબંધ મૂકાયેલા જ છે.
ખેડા જિલ્લામાં હવે હોટલો, ક્લબો અને મોલને ખોલવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ તેમને ૮મી જૂનથી કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતે વેપાર ધંધા કરવા પડશે. આ ઉપરાંત તમામ રીટેઇલ દુકાનો, ઉદ્યોગો, ધાર્મિક સ્થળો, ચા-કોફીના સ્ટોલ, લીકર શોપ, હેરકટીંગ સલુન, પુસ્તકાલય, એસ.ટી. બસ, ખાનગી બસ, ઓટો રીક્ષા, ખાનગી ઓફિસો, બેંકો, સરકારી કચેરીઓ, રીપેરીંગની દુકાનો,ગેરેજ વર્કશોપો, વગેરેને પણ કેટલીક શરતોને આધીન ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે. આમ છતાં હજુ પણ જિલ્લાના જોવાલાયક સ્થળો ખોલી શકાશે નહીં. પુસ્તકાલયો ૬૦ ટકાની ક્ષમતા સાથે જ ખોલી શકાશે. અંતિમ સંસ્કાર માટે ફક્ત ૨૦ વ્યક્તિઓ અને લગ્નસમારંભ માટે ૫૦ માણસોની જ મંજૂરી અપાઇ છે. પાનના ગલ્લાઓ માત્ર પાર્સલ આપવાની શરતે ખોલવાની પરવાનગી છે. એસ.ટી. બસોમાં અને ખાનગી બસોમાં ૬૦ ટકા પેસેન્જર જ ભરી શકાશે. ઓટો રીક્ષા અને ખાનગી ટેક્સીઓમાં માત્ર બે જ અને દ્વિચક્રી વાહનો ઉપર ડ્રાઇવર ઉપરાંત અન્ય એક વ્યક્તિ જ ફરી શકશે. આજે બહાર પડેલા જાહેરનામામાં આંતરરાજ્ય અને આંતર જિલ્લાની હેરફેર માટે પણ છૂટ અપાઇ છે. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન માં આવતા વિસ્તારોમાં આ કોઇ છૂટછાટો લાગુ પડશે નહીં. જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્ટેડિયમો ખોલવાની પરવાનગી અપાઇ છે. પરંતુ તેમાં કોઇપણ દર્શક પ્રવેશી શકશે નહીં. કે પછી રમતગમતના કોઇપણ કાર્યક્રમ નું પ્રસારણ પણ થઇ શકશે નહીં. તેમ આજે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે.