ખેડા જિલ્લામાં રાખડીઓ અને મિઠાઈ ખરીદવા લોકો ઉમટી પડયા
- રક્ષાબંધન પર્વ નજીક આવતા
- રૂા. 5 થી માંડી 100 રૂપિયાની રાખડીઓની ડિમાન્ડ : વિવિધ પેંડાની પણ માંગ વધી
નડિયાદ, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
ખેડા જિલ્લામાં ઓગસ્ટ માસમાં આગામી દિવસોમાં આવતા તહેવારોને કારણે જિલ્લાના બજારમાં માહોલ જામ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધન પર્વ આવતું હોવાથી જીલ્લાના બજારોમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા છે. જીલ્લાવાસીઓ રાખડીઓ અને મિઠાઈની ખરીદી કરી કરતા જોવા મળી રહ્યા છે.
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીલ્લાના બજારોમાં વિવિધ રાખડીઓનું વેચાણ થઈ રહ્યુ છે. રક્ષાબંધન તહેવાર નિમિત્તે બજારમાં વિવિધ ડિઝાઈનર રાખડીઓ જોવા મળે છે. જેમાં રૂા.૫ થી રૂા.૧૦૦ થી વઘારે મૂલ્યની રાખડીઓ ઉપલબ્ધ છે. જિલ્લાના બજારોમાં વિવિધ રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે.
આ ઉપરાંત રક્ષાબંધન પર્વને લઈ બજારોમાં વિવિધ પ્રકારની મિઠાઇઓની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે. ગ્રાહકો કેસર પેંડા, રજવાડી પેંડા, મલાઈ પેંડા જેવી મિઠાઇઓની ખરીદી બજારમાંથી કરતા જોવા મળે છે.