ખેડા જિલ્લામાં કિલર કોરોનાનો કહેર યથાવત : વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં પોઝિટિવ કેસોનો આંક શતક નજીક પહોંચ્યો
- ખેડા તાલુકાના રઢુ ગામની મહિલા, કપડવંજના વાઘજીપુરાના આધેડ અને નડિયાદના અમદાવાદી બજારનો પુરુષ કોરોનાની ઝપટે
નડિયાદ, તા.9 જૂન 2020, મંગળવાર
ખેડા જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો શતકની નજીક પહોંચ્યો છે. જેમાં એક દર્દીનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે. ખેડાના રઢુ,કપડવંજના વાઘજીપુરા,અને નડિયાદના અમદાવાદી બજારમાં એક પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખેડાના રઢુમાં આવેલ વાણિયાવાડમાં રહેતા છાયાબેન હરિકૃષ્ણભાઈ કા.પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો છે. ગત તા. ૨-૬-૨૦ના રોજ આરોગ્ય ટીમ રઢુ ગામના કન્ટેઈનમેન્ટ એરિયામાં સર્વે કરવા માટે ગઈ હતી. તે સમયે છાયાબેનના ઘરના સભ્યો દ્વારા જાણ કરેલ કે તેમને અશક્તિ જેવું લાગે છે. તેથી આરોગ્ય ટીમ દ્વારા તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઢુ ખાતે રીફર કર્યા હતા. જ્યાં આરોગ્ય તપાસમાં છાયાબેનને તાવ, શરદી, ખાંસી જેવા કોઈ લક્ષણ જણાતા નહતા પરંતુ તેમના શરીરમાં અશક્તિ હોવાના કારણે તેમને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. તા. ૭-૬-૨૦ના રોજ આરોગ્ય ટીમ દ્વારા ફરી કન્ટેઈનમેન્ટ એરિયામાં સર્વે હાથ ધરતાં ફરીથી તેમની શારીરિક તપાસ હાથ ધરતા તેમને તાવ, શરદી કે ખાંસી જેવા કોઈ લક્ષણ જણાતા નહતા પરંતુ તેમને ગભરામણ સાથે શ્વાસની તકલીફ જણાઈ હતી. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સીવીલ હોસ્પિટલ, નડિયાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગતરોજ સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ નિપજયુ હતું.
કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામમાં રહેતા સોમાજી ભવાનજી ચૌહાણ ઉં.૭૫ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.સોમાજી ચૌહાણને ફેફસાની બિમારી હતી અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તેઓને કોરોનાના લક્ષણો જણાતા તેમનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો.જે આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં રહેતા દિલીપભાઈ કાંતિભાઈ કા.પટેલ, ઉં.વ. ૪૦નો કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો છે. તેઓ શાકભાજીનો વ્યવસાય કરે છે તેમને તબિયત નાદુરસ્ત જણાતા તેઓએ ગત તા. ૮-૬-૨૦ના રોજ સ્થાનિક દવાખાને સારવાર લીધી હતી. ત્યાંથી તેમને એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજ રોજ પોઝિટીવ જાહેર થયો છે. દિલીપભાઈ પીપલગ અને સંતરામ શાક માર્કેટમાંથી શાકભાજી લાવીને સંતરામ શાક માર્કેટમાં સવારે પાંચથી દસ વાગ્યા સુધી વેચતા હતા. તેમના પરિવારમાં પાંચ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અમદાવાદી બજારમાં કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરાઈ હતી.