ડાકોર વોર્ડ-3માં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ માટલાં લઈ પાલિકા પહોંચી ગઈ
- અઠવાડિયાથી પાણી ન મળતું હોવાની સમસ્યા : ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત
નડિયાદ, તા.8 જૂન 2020, સોમવાર
યાત્રાઘામ ડાકોરમાં આવેલ વોર્ડ નં-૩માં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે.આજે સ્થાનિક મહિલાઓ માટલા લઇ પાલિકા ચીફઓફિસરને રજૂઆત કરવા માટે પહોચી હતી. આ સમયે પાલિકાના નવનિયુક્ત ચીફઓફિસરે પાણીની સમસ્યા દૂર કરવાની હૈયાઘારણા આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર પાલિકાના વોર્ડ-૩માં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે.આ વિસ્તારમાં જે પાલિકા દ્વારા પીવાનુ પાણી આપવામાં આવે છે તે પાણી મિક્સ આવતુ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયાથઈ પીવાનુ પાણી ન આવવાના કારણે વોર્ડના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.આ અંગે રજૂઆત કરવા છતા કોઇ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિક લોકો પાલિકામાં માટલા લઇને પાલિકા ચીફઓફિસરને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા.જો કે નવયુક્ત પાલિકા ચીફઓફિસરે ત્વરીત પીવાના પાણીની સમસ્યા હલ થઇ જશે તેવી હૈયાઘારણા આપી હતી.
બીજી તરફ પાલિકા વોટર વર્કસ સમિતિના ચેરમેને ત્રણ દિવસ અગાઉ રાજીનામુ આપી દીધુ હતુ.વોટર વર્કસ સમિતિના ચેરમેને રાજીનામુ આપી દેતા રાજકારણ ગરમાયુ છે.વોટર વર્કસ સમિતિના ચેરમેને આપેલ રાજીનામા જણાવ્યુ છે કે છેલ્લા એક વર્ષથી તેઓના કામો થતા ન હતા જે થી રાજીનામુ આપ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.આ અંગે ડાકોર પાલિકા પ્રમુખ રાજેશભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે વોર્ડ નં-૩માં મિક્સ પાણી આવતુ હોવાની ફરિયાદો મળી છે.જે અંગે અમે ગત સામાન્ય સભામાં નવીન લાઇન નાખવાનો ઠરાવ કર્યો હતો.પરંતુ લોકડાઉનને કારણે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી શકયા ન હતા.જ્યારે તાજેતરમાં રાજય સરકાર દ્વારા અનલોક-૧ની જાહેરાત કરી છે.ત્યારે આ કામની સરકારમાંથી મંજૂરી મેળવી લીધી છે.હાલ નવી પાણીની પાઇપલાઇન નાખવાનુ કામ ચાલુ છે.તે કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.આ ઉપરાંત વોટર વર્કસ સમિતિના ચેરમેનના રાજીનામાં અંગે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે મારી ટર્મ પૂરી થવા આવી છે.માટે આ રાજકારણ ચાલી રહ્યુ છે.પણ તે ઘરનો પ્રશ્ન છે તેનો નિકાલ કરી દઇશુ તેમ ઉમેર્યુ હતુ.