Get The App

ભદ્રાસા ગામે મહી નદીના કાંઠેથી ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયું

Updated: Sep 29th, 2024

GS TEAM

Google News
Google News
ભદ્રાસા ગામે મહી નદીના કાંઠેથી ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયું 1 - image

- ખેડા જિલ્લા ખાણ-ખનીજ વિભાગનો દરોડો 

- પરવાના વિના ખનન કરતા એક લોડર, બે ડમ્પર મળી રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત : દંડ ફટકારવાની તજવીજ

નડિયાદ : ઠાસરા તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેવી સ્થિતિ ઉદભવી છે. તાલુકાના ભદ્રાસા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કાંઠેથી ખાણ- ખનીજ વિભાગે ગેરકાયદે રેતીનું ખનન કરતા એક લોડર અને બે ડમ્પર વાહનોને જપ્ત કર્યા હતા. વિભાગે રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનન માફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી છે. 

ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં ભદ્રાસા-અકલાચા રોડ પર આવેલી મહી નદીના કાંઠે ખનન માફિયાઓ પરવાના વિના ગેરકાયદે ખોદકામ કરી રહ્યા હોવાની બાતમી ખેડા જિલ્લા ખાણ-ખનીજ વિભાગને મળી હતી. 

જેના આધારે ખાણ- ખનીજ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેરકાયદે ખનન કરતા એક લોડર અને બે ડમ્પરને ઝડપી પાડયા હતા. વિભાગે ત્રણેય વાહનો મળી કુલ રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

તેમજ ખનનના સ્થળે સર્વેયરોની ટીમ દ્વારા માપણી હાથ ધરવામાં આવી હતી. આ માપણીના અંતિમ રિપોર્ટ બાદ ખનન માફિયાઓને કેટલો દંડ થશે તેનો ચોક્કસ આંકડો સામે આવશે. હાલ પાંચ લાખ જેટલો દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ છે. ખાણ- ખનીજ વિભાગ દ્વારા અગાઉ ઠાસરા અને ગળતેશ્વરની રેતીની ક્વોરીઓમાં તપાસ હાથ ધરી હતી. જે અંગે પણ કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.