Get The App

નડિયાદની સરકારી કચેરીઓમાં જવું હોય તો પાણીમાંથી પસાર થવું જ પડશે

Updated: Jul 10th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદની સરકારી કચેરીઓમાં જવું હોય તો પાણીમાંથી પસાર થવું જ પડશે 1 - image

- ગાડીમાંથી સીધા કચેરીના દાદરે પગ મૂકતા અધિકારીઓ ધ્યાન આપે

- કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને આરટીઓના પ્રવેશ દ્વારે ભરાતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી

નડિયાદ : નડિયાદમાં સરકારી કચેરીઓમાં જવું હોય તો પાણી ખૂંદીને ફરજિયાત થઈ ગયું હોય તેવો ઘાટ જિલ્લાની મુખ્ય કચેરીઓમાં થઈ ગયો છે. ખેડા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને આરટીઓની કચેરીમાં પ્રવેશદ્વારમાં જ પાણી ભરાયેલા રહે છે. જિલ્લા કલેક્ટર કચેરીમાં તો આ પ્રશ્ન વર્ષોથી છે. જ્યારે હવે જિલ્લા પંચાયત કચેરીમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ગાડીઓમાંથી ઉતરી સીધા કચેરીના દાદરા પર પગ મુકતા અધિકારીઓ આ મામલે કોઈ યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરે તેવી લાગણી વ્યાપી છે.

નડિયાદમાં ડભાણ રોડ પર આવેલી જિલ્લાની મુખ્ય કલેક્ટર ઓફીસ અને જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર સામાન્ય વરસાદમાં પાણી-પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ સમસ્યા કચેરીના નિર્માણ અને લોકાર્પણના સમયથી જ ચાલી આવી છે. દર વર્ષે ચોમાસામાં અહીંયા મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણી ભરાઈ જાય છે. 

આ તરફ આર.ટી.ઓ. કચેરી આવેલી છે અને ત્યાં પણ મુખ્ય પ્રવેશદ્વાર પર ખાડો પડી ગયો છે અને ત્યાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાથી દિવસોના દિવસો સુધી પાણી ભરાયેલુ રહે છે. 

ઉપરોક્ત ડભાણ રોડ સ્થિત ત્રણેય કચેરી જિલ્લાની મુખ્ય વડી કચેરીઓ હોવાથી સામાન્ય નાગરીકોનો અહીંયા પોતાના કામ માટે વ્યાપક ધસારો રહેતો હોય છે. ત્યારે તેમને આ કચેરીઓમાં ચાલતા જવા માટે આ પાણીમાંથી પસાર થવાની મજબૂરી ઉભી થાય છે. તો બીજીતરફ ટુ-વ્હીલર ચાલકોને પણ અહીંયાથી મહામુસીબતે પસાર થવાનો વારો આવે છે. તો આ તમામ કચેરીઓમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સરકારી ગાડીઓમાં આવતા હોવાથી તેઓ સીધા કચેરીના દરવાજા પાસે ગાડીમાંથી ઉતરી સીધો દાદરા પર પગ મૂકતા હોવાથી તેમને આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ રસ ન હોય તેમ અરજદારો કરી રહ્યા છે. જેના કારણે વર્ષોના વર્ષોથી આ સમસ્યાથી સામાન્ય નાગરીકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.