- ડેપો મેનેજરે નિયમિત બસ ચલાવવા બાહેંધરી આપી
- મહેમદાવાદ ગ્રામ્ય વિસ્તારોની બસો નિયત સમયે ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં બમણાં ભાડા ચૂકવી જવા મજબૂર
મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તરફની એસટી બસો ખૂબ જૂજ માત્રામાં ફાળવાયેલી છે. જેથી આ બસોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો જતા હોય છે. તેના કારણે આ ગ્રામ્ય વિસ્તારોમાંથી નડિયાદ ભણવા આવતા વિદ્યાર્થીઓને સમયસર બસ મળતી નથી. ઓછી બસો હોવાના કારણે મહેમદાવાદના ભરકુંડા અને કઠલાલના છીપડી સુધીના રૂટ વચ્ચે આવતા ગામોના વિદ્યાર્થીઓને કલાકો સુધી નડિયાદ બસ મથકે રઝળપાટ કરવાનો વખત આવે છે.
આ મામલે વિદ્યાર્થીઓએ શુક્રવારે નડિયાદ બસ સ્ટેન્ડમાં જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં નિયત સમયની બસ મૂકો તેવા સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓએ હલ્લાબોલ મચાવી બસોને રોકી ઉગ્ર વિરોધ કર્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતા ભાળી ગયેલા ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક બસ મથકે દોડી આવી અને વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
જો કે, લાંબા સમયથી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા હોવાથી તેમણે ડેપો મેનેજર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે ડેપો મેનેજરે નિયમિત બસ ચલાવવાની વિદ્યાર્થીઓને બાહેંધરી આપવામાં આવી હતી.
બપોરે છૂટવા છતાં સાંજે 7 વાગે ઘરે પહોંચીએ છીએ : વિદ્યાર્થી
આ બાબતે વાઘાવતથી અપડાઉન કરતા વિદ્યાર્થી કિશનકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા ગામ બાજુ સહિત સિહુંજ, ભરકુંડા, અકલાચા અને છીપડીના રૂટની બસ નિયમિત આવતી નથી. જેના કારણે અમારા રૂટના તમામ વિદ્યાર્થીઓ બપોરે ૧૨ વાગે છૂટયા બાદ પણ સાંજે ૭થી ૮ વાગે ઘરે પહોંચે છે. કલાકોના કલાકો અમારે બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતા બેસી રહેવું પડે છે.
વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખીશું : એસટી ડેપો મેનેજર
આ મામલે નડિયાદ એસટી ડેપોના મેનેજર કે. કે. પરમારે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન મારા ધ્યાને આવ્યો છે. ભરકુંડાની બસ ઓવરલોડ થઈ ગઈ હતી, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ રહી ગયા હતા, જેથી અમે તાત્કાલિક બીજી બસની વ્યવસ્થા કરી છે. ભરકુંડા જતા વચ્ચે જેટલા ગામ આવતા હતા, તેને પણ આવરી લીધા છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે તે અંગે પણ પ્રયત્ન કરીશું.


