- નગરપાલિકાએ કાંસની સફાઇની કામગીરી કરતાં દુકાનદારો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ
- 20 દુકાનોને નોટિસ આપી પાલિકાએ 5 દુકાનોમાં ખોદકામ શરૂ કરતાં દુકાનદારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા : તા. 9મીએ સુનાવણી
નડિયાદમાં ગત અઠવાડિયે વરસેલા ૨૫ ઈંચ વરસાદમાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠતા પાલિકાએ કાંસ પરના દબાણોના કારણે કાંસની યોગ્ય સફાઈ થતી ન હોવાનું રટણ કર્યું હતું.
તેમજ અડધુ ચોમાસુ વિત્યા બાદ આખરે બે દિવસ પહેલા માહિતી ભવન પાસે વરસાદી કાંસમાં કરાયેલા કાચા દબાણો દૂર કરી પાલિકાએ કાંસની સફાઈની કામગીરી શરૂ કરી હતી. તથા સરદાર પ્રતિમાથી બસસ્ટેન્ડ તરફના રસ્તા પર આવેલી ૨૦ જેટલા દુકાનદારોને સામાન કામચલાઉ શિફ્ટ કરવા મૌખિક તાકીદ કરી હતી.
તેવામાં બુધવારે સવારે પાલિકા દ્વારા દુકાનદારોને નોટિસ આપી તાત્કાલિક સામાન ખાલી કરવા જણાવ્યું હતું અને ૨૦ પૈકી ૫ દુકાનોની નીચે કાંસ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળ, પાલિકાના ઈજનેર, એકાઉન્ટન્ટ, કાંસ-ગરનાળા અધિકારી, પાલિકા ચેરમેન સહિત પાલિકાનો મોટાભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે દુકાનદારો અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, પાલિકાની ટીમે દુકાનોમાં ડ્રિલિંગ મશીન અને બુલડોઝરની મદદથી તોડવાનું શરૂ કર્યું હતું. જેથી રોષે ભરાયેલા દુકાનદારોએ વિરોધ કર્યો હતો. તેમજ દુકાન માલિકો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં દુકાનદારો તરફથી પક્ષ રજૂ કરવા પહોંચેલા વકીલ દ્વારા પાલિકાની કામગીરી અંગેનો વિસ્તારથી રિપોર્ટ આપ્યો હતો. હાઈકોર્ટના જજ સંગીતા કે. વિશેન દ્વારા સમગ્ર મામલો સાંભળ્યા બાદ આ મામલે હાલ પૂરતો સ્ટે આપી વધુ સુનાવણી તા.૯ સપ્ટેમ્બરના રોજ મુકરર કરી છે.
પાલિકાને ૩ ફૂટ ખોદકામ કરવામાં સવારથી સાંજ પડી ગઇ
પાલિકા ટીમે વહેલી સવારથી દુકાનોમાં ખોદકામ ચાલુ કર્યું હતું. જોકે, દુકાનોના ગ્રાઉન્ડ ફ્લોરની સપાટીથી નીચે ત્રણ ફૂટ જેટલું ખોદકામ કરવાનું હતું. પાલિકાએ પહેલા મજૂરો મારફતે અને બાદમાં ડ્રિલિંગ મશીન અને બુલડોઝર વડે ખોદકામ કર્યું હતું. દુકાનોની અંદર ખોદકામ કરવાનું હોવાથી આ ખોદકામ કરતા સવારથી સાંજ પડી હતી. છતાં કાંસના ભાગ સુધી પહોંચી શકાયું નહતું.
ટાઉન પીઆઈએ સ્થળ પર પહોંચી અને ટોળાને વિખેરવું પડયું
દુકાનોમાં ખોદકામની કામગીરી દરમિયાન વારંવાર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી. ભરવાડ સિવિલ ડ્રેસમાં પહોંચ્યા હતા અને ટોળાને વિખેરી નાખ્યું હતું. જોકે, પાલિકાના એકપણ કર્મચારી પાસે પાલિકાના કર્મી હોવાનો પુરાવો ન હતો. જેથી ટોળાને વિખેરતા સમયે પીઆઈ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને આઈકાર્ડ આપો જેથી તેમને ઓળખી શકાય તેવી નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓને તાકીદ કરવામાં આવી હતી.


