- 260 થી વધુ વિદ્યાર્થીઓને હાલાકી
- વરસાદી અને ગટરના પાણીનો નિકાલ નહીં થતાં રોગચાળો ફેલાવાનો ભય
પેટલાદ : પેટલાદના ખોડીયાર ભાગોળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા બ્રાન્ચ નં.૬ પાસે ગટરના અને વરસાદી પાણી ભરાઈ રહેતા ૨૬૦થી વધુ વિદ્યાર્થીઓ કચરાના ઢગલાં પરથી પસાર થવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ શાળા અને વાલીઓએ લગાવ્યા છે.
પેટલાદની પ્રાથમિક શાળા બ્રાન્ચ નં. ૬ પાસે પાણીના નિકાલ માટેની નીક વારંવાર ચોકઅપ થઈ જાય છે. જેને લઈ ગટર અને વરસાદી પાણીનું યોગ્ય નિકાલ ન થતાં રસ્તા પર પાણી ભરાઈ રહે છે. પરિણામે વિદ્યાર્થીઓ સહિતના નગરજનોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.
શાળાના શિક્ષિકા પ્રિયાબેને જણાવ્યું હતું કે, અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં ભરાતા નથી. વિદ્યાર્થીઓને કચરાના ઢગલાં અને જાહેર શૌચાલય પાસેથી પસાર થઈને શાળામાં જવું પડે છે. જે ભવિષ્યમાં રોગચાળાને આવકારવા સમાન હોવાનું જણાવ્યું હતું.
સમસ્યાનો સત્વરે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વાલીઓ સહિતનાઓની માંગ છે.


