બે સાધુઓ ભૂગર્ભમાં નહીં, મંદિરમાં જ ફરતા હોવાનો હરિભક્તોનો આક્ષેપ
- વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓની કામલીલાનો વિવાદ
- પોલીસ, સંપ્રદાયના સંતો અને ટ્રસ્ટીઓને સાધુઓ મળતા જ નથી તેવા બહાના ખોટા હોવાનો હરિભક્તોનો ગંભીર આક્ષેપ
અમદાવાદ, તા.4 જુલાઈ 2020, શનિવાર
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની કામલીલા સિલાસિલાબંધ બહાર આવી રહી છે. ત્યારે આ સાધુઓ ભુગર્ભમાં હોવાની વાતો પોકળ સાબિત થઇ છે અને ખુદ વડતાલ મંદિરમાં જ આ લોકો ખુલ્લેઆમ સંતાયા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે.
છેલ્લાં દશ દિવસમાં વડતાલ સંપ્રદાયના બે સાધુઓની જે કામલીલાઓ બહાર આવી હતી તે બંને વડતાલના મુખ્ય મંદિરના પરિસરમાં જ બિંદાસ થઇને હરી ફરી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિક હરિભક્તોએ આજે કર્યા છે. એકતરફ પોલીસ તથા સંપ્રદાયના સંતો અને ટ્રસ્ટીઓને આ સાધુઓ મળતા નથી તેવા બહાના ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ આજે સવારે જ આ સાધુ મુખ્યમંદિરના કેમ્પસમાં ખુલ્લેઆમ ફરતા હોવાની વાતો વહેતી થઇ છે.
ગત્ દિવસોમાં વડતાલના વેદાંતવલ્લભ નામના શિક્ષિત સ્વામીએ છેલ્લાં સાત વર્ષથી પોતાનું શારિરીક શોષણ થતું હોવાનો ૩૨ પાનનો પત્ર વાયરલ કર્યો હતો. જેમાં તેમને પોતાના જ ગુરુ ઘનશ્યામશાસ્ત્રી સામે બળજબરીથી પોતાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા.આ અંગે ચકલાસી પોલીસ મથકે વડતાલ નજીકના સંજાયા ગામના રાકેશ પટેલે પોલીસમાં ફરિયાદ અરજી પણ આપી હતી. પરંતુ વડતાલ ટ્રસ્ટી બોર્ડ અને પોલીસ છેલ્લાં દશ દિવસથી એમ જણાવી રહ્યા છે કે વેદાંતવલ્લભસ્વામી ભુગર્ભમાં ચાલ્યા ગયા છે.
આ બાબતે કેટલાંક સ્થાનિક હરિભક્તો નામ નહીં આપવાની શરતે ખુલ્લેઆમ જણાવી રહ્યા છે કે આ સાધુ વડતાલ મંદિરમાં જ સંતાયા છે. અને અત્યારના પદાધિકારી સંતોએ જ તેમને પોતાના બીજા પોલ બહાર ન આવે માટે સંતાડી રાખ્યા છે.વડતાલ મંદિરમાં ચારેય તરફ સીસીટીવી કેમેરા રાખેલા છે. જો પોલીસ આ કેમેરાની તપાસ કરે તો આ સાધુ વડતાલ મંદિર પરિસરમાંથી જ મળી આવશે તેમ લોકો ખાતરીપૂર્વક જણાવી રહ્યા છે.
આ જ રીતે ચાર દિવસ પહેલા વડોદરા નજીકના કંડારી ગુરુકુળના ત્યાગવલ્લભ નામના સાધુએ એક સ્ત્રી સાથે આડા સંબંધો રાખી ફોન ઉપર બિભત્સ વાતો અને ચેટિંગ કર્યા હોવાના સ્ક્રીન શોટ વાયરલ થયા હતા. જેમાં ત્યાગવલ્લભ એક સ્ત્રીના કપડા પહેરીને ફોટા પડાવતા હોય તેમ બહાર આવ્યું છે. સાથોસાથ એ જ કપડામાં પેલી સ્ત્રીના પણ ફોટા વાયરલ થયા છે. આ ત્યાગવલ્લભ સાધુ પણ ઘણાં વખતથી ભૂગર્ભમાં હોવાની બૂમ ઉઠી છે. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આજે સવારે ૯.૨૦ થી ૯.૪૦ દરમ્યાનની ૨૦ મીનીટ સુધી આ સાધુ વડતાલના મુખ્ય મંદિરની પાછળા ભાગમાં મંદિરના એક પદાધિકારી સંત સાથે જ હરીફરી રહ્યા હોય તેમ કેટલાંક હરિભક્તોએ નજરોનજર જોયા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. પોલીસ તપાસમાં જો વડતાલ મંદિરના સીસીટીવી કેમેરાનું ડીવીડી જપ્ત કરવામાં આવે તો બંને સાધુઓ વડતાલના મુખ્ય મંદિરમા જ છૂપાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.