Updated: May 23rd, 2023
- વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે પડતી હાલાકી
- ઇ ધરા તેમજ જન સેવા કેન્દ્રમાં અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે
નડિયાદ ડભાણ રોડ પર શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આવકના દાખલા,આધાર કાર્ડ, રેશનકાર્ડ અને ડોમીશિયલ તેમજ ઇ ધરા, જન સેવા કેન્દ્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. ત્યારે મહત્વના દસ્તાવેજો કઢાવવા આવતા અરજદારોને કર્મચારીઓની લાલિયાવાડીથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા તેમજ ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.હાલ બોર્ડની પરીક્ષાના પરીણામો જાહેર થઇ રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ જરૂરી દાખલા કઢાવવા માટે કચેરીએ આવી રહ્યા છે. આવા સંજોગોમાં ભારે ભીડ જોઈ કેટલાક વગ ધરાવતા લોકો લાઈનોમાં ન ઉભા રહેવું પડે તે માટે વચેટીયાઓનો સંપર્ક કરી રહ્યા છે.
આ વચેટીયાઓ સીધા જેતે કર્મચારીનો સીધો સંપર્ક કરી ટેબલ નીચે વહેવાર કરતા હોઇ પૈસાદાર લોકોના કામો ગણતરીના સમયમાં સરળતાથી થાય છે. જેના કારણે જરૂરી કામો, ડોક્યુમેન્ટ કઢાવવા આવેલા મઘ્યમ અને ગરીબ વર્ગના અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. જીલ્લા સેવા સદનમાં પહેલાં માળે કલેકટર કચેરી આવેલી છે આમ છતાં મામલતદાર કચેરીમાં અરજદારોના કામો કરવામાં ભારે લાલિયાવાડી ચાલતી હોય પ્રજાજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપ્યો છે.