નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કીમો થેરાપીની મફત સારવાર શરૂ કરાઈ
- કેન્સરગ્રસ્ત દર્દીઓએ હવે કીમો થેરાપી માટે અમદાવાદ નહીં જવું પડે
- સિવિલ હોસ્પિટલમાં આ થેરાપી માટે ખાસ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો
નડિયાદ : ખેડા જિલ્લામાં કેન્સર ગ્રસ્ત દર્દીઓને સારવાર તેમજ કીમો થેરાપી માટે અમદાવાદની વાટ પકડવી પડતી હતી. જોકે હવે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ થશે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કીમો થેરાપી માટેનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર તેમજ કીમો થેરાપી માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું.
નડિયાદથી અમદાવાદ સારવાર માટે જવામાં અને કીમો લીધા બાદ પરત આપવામાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જોકે, હવે નડિયાદ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર બાદ કીમો થેરાપી માટે પણ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. નડિયાદ સિવિલમાં કીમોની સારવાર લેવા આવતા પહેલાં દર્દીએ અમદાવાદ જી.એમ.ઈ. આર.એસ. ખાતે પ્રાથમિક સારવાર બાદ ત્યાં બે કીમો લીધા બાદ નડિયાદ ખાતે વધુ કીમોની સારવાર લઈ શકશે. આ સારવાર નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રહેશે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં આ થેરાપી માટે ખાસ વોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાની પ્રજાને હવે ઘર આંગણે જ કીમોની સારવાર ઉપલબ્ધ થશે. આ બાબતે નડિયાદ સિવિલ હોસ્પિટલના ડો. નાસરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સારવાર અમદાવાદમાં લીધા બાદ ત્યાંથી દર્દીને નડિયાદ રીફર કરવામાં આવશે અને બાદમાં આગળની કીમોની સારવાર દર્દી નડિયાદ ખાતે લઈ શકશે.