- રેકોર્ડિંગ રજૂ કરતા ફરિયાદ નોંધી
- વર્ષ 2018 માં દારૂ સાથે પકડાયેલા યુવકો પાસેથી સેવાલિયા પોલીસ મથકના તત્કાલીન કોન્સ્ટેબલે લાંચ માંગી હતી
નડિયાદ : અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર આવેલી મહારાજના મુવાડા ચેક પોસ્ટ પાસે ઓગસ્ટ ૨૦૧૮માં ચાર યુવકો કારમાં બીયરના ટીન સાથે ઝડપાયા હતા. આ મામલો રફેદફે કરવા બાબતે સેવાલીયા પોલીસ મથકે ફરજ બજાવતા તત્કાલીન જીઆરડી જવાને તત્કાલીન કોન્સ્ટેબલ સાથે યુવકોનો સંપર્ક કરાવ્યો હતો. જેમાં કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચ માગી હતી. જે અંગેનું રેકોર્ડિંગ અરજદારોએ નડિયાદ એસીબીમાં રજૂ કરતા પાંચ વર્ષ બાદ બંને પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો છે.
મહારાજના મુવાડા ચેક પોસ્ટ પાસે તા.૧૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા તેને અટકાવી તલાશી લેતે કારમાંછી બીયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કારમાં સવાર ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું.
જેથી યુવકોએ આ કેસને રફેદફે કરવા માટે ત્યાં ફરજ પર હાજર તત્કાલીન સેવાલિયા પોલીસ સ્ટેશનના જીઆરડી સભ્ય સોમાભાઈ કોહ્યાભાઈ રોહિત ( રહે. અંગાડી, તા. ગળતેશ્વર)ને વાત કરી હતી. જેથી તેણે આ બાબતે તે વખતે સેવાલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં ઠાસરા પોલીસ મથકે ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ ઘેલાભાઈ જેઠાભાઈ (રહે. ભાથલા તાબે ભરવાડના મુવાડા, તા. બાલાસિનોર) સાથે વાત કરી લેવા જણાવ્યું હતું.
જેથી યુવકોએ કોન્સ્ટેબલ ઘેલાભાઈ સાથે વાત કરતા કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે મામલે રકજક કરી મામલો રૂ.૮૦ હજારમાં નક્કી થયો હતો. યુવકોએ લાંચની માંગણી સંબંધે થયેલી વાતચીતનું પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધુ હતું.
આ રેકોર્ડિંગ પરથી રજૂ કરેલી સી.ડી. અંગે નડિયાદ એસીબી કચેરીમાં ફરિયાદ આપી હતી. એસીબીએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અરજદાર સાથે લાંચની લેતી-દેતી સંબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી, ટેકનીકલ અને વૈજ્ઞાાનિક સાંયોગિક પુરાવા મેળવ્યા હતા.
જે બાદ પાંચ વર્ષના અંતે લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલીત થતાં તા.૨૪ જુલાઈ ૨૦૨૪ના રોજ નડિયાદ એસીબી કચેરીમાં કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


