- ફાયર સેફ્ટીની સુવિધાના અભાવને મામલે કાર્યવાહી
- કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં ચાલતા જીમને સીલ મારી દેવાયું
નડિયાદના મિશન રોડ પર એલિમ ચર્ચની સામે બી.યુ. પરમીશન વગર એફ. કે. ઓકડ નામનું બિલ્ડીંગ બનાવી દેવામાં આવ્યુ છે. આ બિલ્ડીંગનું નિર્માણ કરનારા બિલ્ડરો એ હદે વગદાર છે કે તેમણે મંજૂરી વગર ગ્રાઉન્ડ ફ્લોરથી ૬ માળ સુધીનું બાંધકામ કરી દીધુ છે અને આ બિલ્ડીંગની દુકાનો અને ફ્લેટો પણ વેચાણ કરી દીધા છે.
આ ગેરકાયદેસર મંજૂરી વગરનું બાંધકામ હાલ લોકોની અવર-જવરથી ધમધમે છે અને અહીંયા મોટા પાયે લોકો ફ્લેટમાં રહેતા હોય અને નીચે દુકાનોમાં પણ ભીડ રહેતી હોય છે. આ વચ્ચે કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા કરવામાં આવી નથી. જેના કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થાય તેવી સંભાવનાઓ છે.
જેથી ફાયર વિભાગ દ્વારા વારંવાર આ કોમ્પલેક્ષના માલિકોને ફાયર સેફ્ટીની સુવિધા કરવા માટે નોટીસો ઈસ્યુ કરાઈ હતી. જો કે, આ કોમ્પલેક્ષના માલિકો દ્વારા નોટીસોની અવગણના કરી અને કોઈ જ પ્રકારે અહીંયા ફાયર સુવિધા ઉભી કરવામાં રસ દાખવ્યો ન હતો. તેના કારણે અંતે આજે શુક્રવારની વહેલી સવારે ફાયર વિભાગની ટીમ અચાનક વીજકર્મીઓ સાથે કોમ્પલેક્ષમાં પહોંચી હતી અને તમામ કોમર્શિયલ દુકાનોના વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. તો સાથે જ ગટરના કનેક્શનો પણ કાપી નાખ્યા હતા. બીજી તરફ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં જીમ ચલાવાતુ હોવાથી, આ જીમની જગ્યાને પણ સીલ કરી નાખવામાં આવી હતી. જેના પગલે કોમ્પલેક્ષમાં દુકાનો ધરાવતા અને ફ્લેટોના માલિકોને હવે હેરાન થવાનો વખત આવ્યો છે.


