- સત્વરે સમસ્યા નિવારવા ગ્રામજનોની માંગણી
- પાણી ઓસર્યા છતાં રિપેરિંગની દરકાર નહીં : વીજ પ્રવાહ નહી મળવાના કારણે ખેડૂતોને હાલાકી
તાજેતરમાં ભારે વરસાદ અને શેઢી નદીના પૂરના લીધે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદથી મીઠાના મુવાડા ગામ વચ્ચેના જાહેર રસ્તા ઉપર સેવાલિયા જીઈબીના બે વીજ થાંભલા ધરાશાયી થતા વીજ વાયરો હાલ રસ્તા પર જેમતેમ પડયા છે. ત્યારે પૂરના પાણી ઓસર્યા છતાં અહીં જીઈબીના કર્મચારી કે વૈડદ ગામના વાયરમેન જોવા સુદ્ધા આવ્યા નથી. આ તૂટી ગયેલા વીજ વાયરનું કનેક્શન આંઠ કલાક વીજ લાઈનનું હોવાથી હાલ ખેડૂતો વીજ પ્રવાહથી વંચિત છે. ત્યારે જો વીજ પ્રવાહ મળે તો તમાકુ, શાકભાજી અને ડાંગરના પાકમાં બોર મારફતે પીયત કરી શકે તેમ છે. ત્યારે ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે, આ બાબતે સ્થાનિક વાયરમેનનો સંપર્ક કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવે છે અને સેવાલિયા જીઈબી કચેરીના જવાબદાર અધિકારી ફોન રિસિવ કરતા નથી. હાલ તો ખેડૂતોને વીજ પ્રવાહથી વંચિત રહેવાની નોબત આવી છે.


