Get The App

સૂર્યગ્રહણને કારણે યાત્રાધામો બપોર સુધી બંધ રહ્યા : દર્શનના સમયમાં ફેરફાર કરાયો

- ડાકોર, વડતાલ અને સંતરામ મંદિરમાં ધૂન, ભજન યોજાયા

- બપોરે ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરોની સફાઈ કરાઈ : ખગોળ પ્રેમીઓએ નજારો નિહાળ્યો : બજારોમાં દાન માટે શ્રદ્ધાળુઓ ઉમટયા

Updated: Jun 21st, 2020

GS TEAM

Google News
Google News
સૂર્યગ્રહણને કારણે યાત્રાધામો બપોર સુધી બંધ રહ્યા : દર્શનના સમયમાં ફેરફાર કરાયો 1 - image


નડિયાદ, તા.21 જૂન 2020, રવિવાર

ખેડા જિલ્લાના યાત્રાઘામો આજે ગ્રહણને કારણે સવારથી બપોર સુધી બંધ રહ્યા હતા. જિલ્લાના  ડાકોર,વડતાલ અને નડિયાદના સંતરામ મંદિરમાં ગ્રહણ નિમિત દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.જ્યારે મોટા ભાગના ધર્મસ્થાનોમાં ગ્રહણ દરમ્યાન ભજન અને ઘૂન કરવામાં આવી હતી અને બપોરે ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરની સફાઇ કરવામાં આવી હતી.

જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાઘામ ડાકોરમાં ગ્રહણ નિમિતે દર્શનના સમયમાં ફેરફાર કરીને સવારે ૯.૩૦ થી દર્શન બંધ કરવામાં આવ્યા હતા અને ગ્રહણ પૂર્ણ થયા બાદ સમગ્ર મંદિરને ધોઇને પવિત્ર કરવામાં આવ્યું હતું. વળી ડાકોર મંદિરમાં ગ્રહણ દોષ નિવારણનો યજ્ઞા પણ કરાયો હતો.રાજા રણછોડરાય સમક્ષ ધરાવેલી જૂની સામગ્રી ગ્રહણ બાદ કાઢીનાખીને તેમને  નવી સામગ્રી પહેરાવવામાં આવી હતી.અને તે પહેલા રણછોડરાયજીને બપોરે ગ્રહણ બાદ સ્નાન કરાવવામાં આવ્યુ હતુ. 

યાત્રાધામ વડતાલ ખાતે ગ્રહણ દરમ્યાન સભામંડપમાં સ્વામિનારાયણ મહામંત્રની ઘૂન કરવામાં આવી હતી.આ ધૂન સવારના ૧૦.૦૦ વાગ્યાથી બપોરના ૧.૩૦ વાગ્યા સુધી કરવામાં આવી હતી.જ્યારે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો.જેમાં મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે,શણગાર સવારે ૭.૪૫ વાગે,રાજભોગ સવારે ૧૦.૧૫ વાગે,અને સવારે ૧૦.૩૦ થી દર્શન બંધ કરવામાં આવ્યા હતા.જે બપોરના ૩.૩૦ વાગ્યે ઉત્થાપન,ઠાકોરજીનો થાળ ૬.૩૦ અને રાત્રે ૭.૪૫ વાગ્યે શયન આરતી કરવામાં આવી હતી.ભગવાન સ્વામિનારાયણે સંત્સંગી જીવનની અંદર જણાવ્યુ છે કે રવિવાર હોય અમાસ હોય અને ગ્રહણ થાય તો એને ગ્રહણ કાળમાં વિશેષ ચૂડામણીયોગ કહેવામાં આવે છે.જેમ ચાલુ દિવસમાં ભજન કર્યુ હોય અને ચાલુ ગ્રહણ કાળમાં ભજન કર્યુ હોય તેનુ વિશેષ ફળ મળતુ હોય છે.ગ્રહણ કાળમાં ચૂડામણી જપ તપ કરવાથી વિશેષ લાભ થાય છે તે નિમિતે મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની ભજન ઘૂન કરવામાં આવી હતી.આ ઘૂન બપોરના ૧.૧૩ ગ્રહણ મૂક્ત થાય ત્યા સુધી સોશિયલ ડિસ્ટન્સ જાળવી મહામંત્રનો જાપ કરવામાં આવ્યો હતો.આ સાથે દેશ-દુનિયા ઉપરનુ કોરોના મહામારીનુ સંકટ દુર થાય અને સર્વને વિશેષ પૂર્ણ્ય પ્રાપ્ત થાય તેવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સૌ સંતો હરિભક્તોએ પ્રાર્થના કરી હતી.

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતે સમાધિ સ્થળ અને જાળીના દર્શન સવારે ૯ વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રાબેતામુજબ બપોરે ૩.૩૦ વાગે દર્શન શરુ થયા હતા. ગ્રહણ સમય દરમ્યાન નડિયાદ સંતરામ મંદિરમાં પણ કાચ મંદિર સામે રામધૂન કરવામાં આવી હતી. 

આ ઉપરાંત મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર, ખેડાના માડી મંદિર, ઉપરાંત મહુધા, માતર, ગળતેશ્વર,વગેરે મંદિરો પણ ગ્રહણને કારણે બંધ રાખવામાં આવ્યા હતા.

નડિયાદ સહિત જિલ્લાના કેટલાક તાલુકા મથકો ઉપર ખગોળપ્રેમીઓ ગ્રહણને જોવા જુદા જુદા સાધનો સાથે અગાસીમાં ચઢ્યા હતા. બપોર બાદ જિલ્લાના મુખ્ય બજારોમાં દાન પ્રવાહ માટે શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.

Tags :