- મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના
- આયુર્વેદિક ડોક્ટરોની સેવા લેવામાં આવી રહી હોવાના ગ્રામજનોના આક્ષેપ
મહીસાગર જિલ્લા પંચાયત સંચાલિત કુલ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક તાલુકા મથકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. તેમાંથી ડેભારી અને સાલૈયા પીએચસી તેમજ વિરપુર સીએચસીમાં કાયમી ધોરણે એમબીબીએસ ડોક્ટર ન હોવાથી આયુર્વેદિક ડોક્ટરોની સેવા લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
થોડા સમય પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનિયમિતતા ઝડપાતા એકસાથે ૪૧ આરોગ્ય સ્ટાફની બદલી કરવામાં આવી હતી.
આ બદલીઓમાં ડેભારી પીએચસીના સ્ટાફનો પણ સમાવેશ હતો. જેથી એકસાથે ૮ કર્મચારીઓની બદલી કરાઈ હતી. ત્યારબાદ એમબીબીએસ ડોક્ટર અને લેબ ટેકની ડેભારી પીએચસીમાં નિમણૂંક કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ વિરપુર સીએચસીમાં ફરજ બજાવતા એમબીબીએસ ડોક્ટર પાસે બે પીએચસીનો ચાર્જ છે. ઉપરાંત સાલેયા પીએચસી છેલ્લા બે વર્ષથી બોન્ડેડ ડોક્ટરથી ચાલી રહી છે. ઉપરાંત દર્દીઓને ઈન્જેક્ટેબલ સારવાર આપવામાં ન આવતી હોવાની, સગર્ભાઓ તથા માતાઓને આયર્ન, સુક્રોઝના બોટલો આપવામાં ન આવતી હોવાના આક્ષેપો ઉઠયા છે.
ત્યારે સત્વરે આરોગ્ય કેન્દ્રોમાં કાયમી એમબીબીએસ ડોક્ટરોની નિમણૂંક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


