- વિરપુર તાલુકાનો કોયડમ ડેમ ઓવરફ્લો
- પાણી કેનાલની જગ્યાએ ખેતરોમાં ઘૂસ્યા : વગર વરસાદે ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાયા
વિરપુર : વિરપુર તાલુકાનો કોયડમ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખૂશીના બદલે રોષ ફેલાયો છે. માઈનોર કેનાલની સફાઈ અને જાળવણીના અભાવે કોયડમ ગામના ૫૦ ટકા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વગર વરસાદે હાલ ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે કેનાલની સફાઈ કરવા અને નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
વિરપુર તાલુકા અને ઉપરવાસના વરસાદના લીધે કોયડમ ડેમ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. જેના પાણી નાની સીંચાઈ અંતર્ગત માઈનોર કેનાલ મારફતે પસાર થતા હોય છે, પણ માઈનોર કેનાલની જાળવણી અને સફાઈના અભાવે પાણી કેનાલમાં જવાને બદલે કોયડમ ગામના ખેતરોમાં ફળી વળતા કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા છે. હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોયડમના બીએસએનએલ એક્સચેન્જ વિસ્તારના ૫૦ ટકા જેટલા ખેતરોમાં હજુ પાંચથી સાત ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. ત્યારે આવનારા દિવસોમાં માઈનોર કેનાલની સફાઈ કરવામાં આવે તેમજ નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.


