- મધ્યપ્રદેશથી રાજકોટ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાનો હતો
- આંતરરાજ્ય ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 3 શખ્સો સામે નોર્કોટિક્સનો ગુનો નોંધાયો
સેવાલીયા પોલીસ અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે શનિવારે મોડી સાંજે એક ઓપરેશન પાર પાડયું હતુ. જેમાં પોલીસને બાતમી મળી હતી કે સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ઈસમની અટક કરી પુછપરછ કરતા આ ઈસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે. દુધાલીયા, ઝાલાવાર, રાજસ્થાન)? હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગોપાલ પાસેની બેગની તલાશી લેતા અંદરથી પીળાશ પડતો ભૂકા જેવો પાવડર મળી આવ્યો હતો.
જેથી પોલીસે એફએસએલની ટીમે પાવડરના જથ્થાનું પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો બહાર આવ્યુ હતુ. જેથી પોલીસે ગોપાલ મહેરને સેવાલીયા પોલીસ મથકે લાવી બેગમાંથી ડ્રગ્સ ૧૪૯ ગ્રામ કિંમત રૂ.૧૪,૯૦,૦૦૦ તેની પાસેનો મોબાઇલ ફોન રૂ.૫,૦૦૦ અને રોકડ રૂ.૨,૦૭૦ મળી પોલીસે કુલ રૂ.૧૪,૯૭,૦૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ડ્રગ્સ કયાંથી લાવી કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરતા આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને પહોચાડવાનો હોવાની કબૂલાત કરી હતી.આ બનાવ સંદર્ભે સેવાલિયા પોલીસે ગોપાલ નથુલાલ મહેર, કૈલાશ ઉર્ફે માસી મહેર અલ્પેશ રમેશભાઈ તન્ના સામે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


