Updated: May 24th, 2023
- ખેડા હાઈવે ચોકડીથી મહેમદાવાદ રોડ પર વાહનોની સમસ્યા
- મેલડી મંદિર પાસે રોડ પર કાચ વેરણ- છેરણ પડયા હોવાથી અકસ્માતની ભીતિ
ખેડા હાઇવે ચોકડીથી મહેમદાવાદ રોડ વર્તમાન સ્થિતિએ ખુબજ સાંકડો અને ટ્રાફિકથી ઉભરાતો રોડ બન્યો છે. ખેડા શહેરમાં અગાઉ આ રોડથી પશ્ચિમે જ મહત્તમ નાગરિક રહેઠાણો હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રોડની પૂર્વમાં પણ અનેક સોસાયટીઓ બનતા હવે આ ખેડા મહેમદાવાદ રોડ શહેરની વચ્ચે હોય તેવો ઘાટ થયો છે ત્યારે નાગરિકોની સતત અવર જવર બંને સાઇડે થાય છે અને આવા સમયે હેવી વાહનો સાથે ટ્રાફિકથી અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે ઉપરોક્ત રોડ ઉપરથી પસાર થતા બીજા રાજય અને જિલ્લાના ભારે વાહનોને ખેડા કેમ્પ તરફથી ડાયવર્ટ કરાય તો શહેર પાસેના માર્ગ ઉપર ટ્રાફિક ભારણ ઓછું થાય અને નાગરિકો રાહતનો શ્વાસ લઇ શકે.
તાજેતરમાં આ રોડ ઉપર મેલડી માતા મંદિર પાસે કોઈ વાહનથી અકસ્માત દરમ્યાન વાહનના કાંચ તૂટીને રોડ ઉપર વેરણ છેરણ પડયા હતા, અહીંથી જ વળાંર લઇને તવક્કલ અને પટેલ સોસાયટી તરફ જતા સ્કૂટર, બાઈક જેવા વાહન ચાલકો સ્લીપ ખાઈને પડી જાય તેવી પરિસ્થિતિ જોતા અકસ્માતના કારણે બીજા અકસ્માત થાય એવી હાલત થાય તેમ છે.
શહેર અને બહારગામના વાહનોની વધતી જતી ભીડ જોતા બસ સ્ટેશન ચોકડી, સિવિલ ચોકડી, ફાંસીચકલા ચોકડી, હાઈસ્કૂલ, મેલડીમાં મંદિર, જૂની તિજોરી સ્ટોપેજ, પુલના છેડે, પટેલવાડી અને તેનાથી આગળ હનુમાનજી મંદિર તરફના વળાંક સુધી આ રોડ પહોળો કરવો જરૂરી છે. અથવા આખા રોડ ઉપર ફ્લાય ઓવર બ્રીજ બનાવાય તેવી નાગરિકોની માગ ઉઠી છે.