ઠાસરામાં જાહેર માર્ગ પર આવેલા મકાનની દિવાલ ધરાશાયી થવાનો ભય
- પુષ્પાંજલિથી રામ ચોક તરફ જવાના રસ્તે
- પાયાના ભાગે ઈંટો તૂટી પડતા તેમજ દિવાલોમાં મોટી તિરાડ પડી ગઈ હોવાથી અકસ્માતની શક્યતા
ઠાસરા : ઠાસરા નગરમાં પુષ્પાંજલીથી રામ ચોક તરફના જાહેર રસ્તા પર આવેલું એક મકાન જર્જરીત બન્યું છે. મકાનની દીવાલ ગમે તે સમયે ધરાશાયી થવાની ભીતિ છે. ત્યારે આ અંગે પાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઠાસરા નગરમાં પુષ્પાંજલીથી રામ ચોક તરફ જવાના જાહેર રસ્તા ઉપર ડાબી બાજૂએ આવેલા એક જૂના મકાનના પાયાના ભાગે ઈંટો તૂટી ગઈ છે અને મકાનની દીવાલોમાં મોટી તિરાડ પડી ગઈ છે.
જેથી જર્જરિત બનેલા આ મકાનની દીવાલ ગમે ત્યારે જાહેર રસ્તા ઉપર ધરાશાયી થઈ શકે તેમ હોવાનો ભય વાહનચાલકોમાં સેવાઈ રહ્યો છે. આ રસ્તો અમદાવાદથી ગોધરા રાજ્ય ધોરી માર્ગથી પુષ્પાંજલી થઈ વીર ભાથીજી મહારાજના મંદિર તરફ જવાનો છે.
ઉપરાંત ઠાસરા તાલુકાના દર્દીઓને રેફરલ હોસ્પિટલ લઈ જવા માટે આ એક જ રસ્તો હોવાથી સતત રાહદારીઓ અને વાહનચાલકોથી ધમધમતો રહે છે. ત્યારે કોઈ દૂર્ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા સત્વરે આ મકાનને ઉતારી લેવડાવવામાં આવે તેવી ઠાસરાના નગરજનોની માંગ છે.