Get The App

નડિયાદ એસટી કોલોનીમાં ગટરો ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય

Updated: Sep 28th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદ એસટી કોલોનીમાં ગટરો ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય 1 - image

- સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી

- બાળકો-મહિલાઓ સહિત સ્થાનિકો પથ્થરો મૂકી ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર

નડિયાદ : નડિયાદ કપડવંજ રોડ ઉપર આવેલી એસટી કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે. ગટરના ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી લોકો ગંદુ પાણી ખૂંદી અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ અંગે પાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં ગટરની સફાઈ ના થતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 

નડિયાદ કપડવંજ રોડ ઉપર એસ.ટી. કર્મચારીઓને રહેવા માટે એસટી કોલોની બનાવવામાં આવી છે. આ એસટી કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. 

આ ગટરમાં આગળની સોસાયટીઓના પાણી આવતા હોવાથી તેમજ ગટરના પાણી આગળ જતા ન હોવાથી દરરોજ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ ગટરના પાણી એસટી કોલોનીની ખુલ્લી જગ્યામાં ભરાયેલા રહે છે. જેથી લોકોને ગંદા પાણીમાં ઈંટો કે પથ્થર મૂકી તેના ઉપર થઈ આવવા જવાની ફરજ પડી રહી છે. રસ્તા પર ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી ગંદકી- કાદવ થઈ ગયો છે. ભારે દુર્ગંધ મારતા પાણીથી લોકો ત્રસ્ત બનવા સાથે મચ્છરોનો ઉપદ્રવ વધતા બિમારી ફેલાવાનો ભય છે. અનેકવાર આ મામલે સત્તાધીશો અને વહીવટી તંત્રને રજૂઆતો સ્થાનિકો દ્વારા કરાઈ છે. છતાં કોઈ નિરાકરણ લવાતું નથી. ત્યારે વહેલી તકે ગટરની સફાઈ કરાવાય તેવી માંગણી ઉઠી છે.