Get The App

નડિયાદમાં બે માળના મકાનમાં તિરાડો પડતાં તંત્રમાં દોડધામ

Updated: Sep 7th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદમાં બે માળના મકાનમાં તિરાડો પડતાં તંત્રમાં દોડધામ 1 - image

- છાંટિયાવાડના નાની પટેલ ખડકીનો બનાવ

- નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી મકાન ખાલી કરાવ્યું : મકાન ઉતારી લેવા માલિકને નોટિસ ફટકારી  

નડિયાદ : નડિયાદના છાંટિયાવાડ વિસ્તારમાં શુક્રવારે વરસાદી માહોલ વચ્ચે બે માળનું મકાન એકાએક જર્જરિત બન્યું હતું. મકાનમાં પાયાથી લઈ ઉપર સુધી તિરાડો પડી જતાં પાલિકા તંત્ર ઘટનાસ્થળે દોડયું હતું અને મકાન ખાલી કરાવ્યું હતું. તેમજ મકાન માલિકને નોટિસ ફટકારી છે.

નડિયાદના છાંટિયાવાડ વિસ્તારમાં આવેલી નાની પટેલ ખડકી ખાતે મહાદેવ મેટલ નામનું બે માળનું મકાન આવેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનો કોમર્શિયલ ઉપયોગ થાય છે અને તેની ઉપરના બે માળ રહેણાંક બનાવવામાં આવ્યા છે. આ મકાનમાં શુક્રવારે એકાએક ચારેબાજૂ તિરાડો પડી ગઈ હતી અને પાયા સુધી મકાન જર્જરિત બની ગયું હતું. 

શુક્રવારે જર્જરિત બનેલા મકાનની બાજૂમાં એક મકાન હતું, જે તેના મકાન માલિક દ્વારા થોડા સમય પહેલા જમીનદોસ્ત કરાવ્યું હતું અને બોરની કામગીરી કરાવી હતી. બંને મકાનની દિવાલ એક હોવાથી વરસાદી સીઝનમાં આ મકાનના પાયા ડગમગી જતાં એક તરફ નમી ગયું હતું. 

બનાવની જાણ થતાં નગરપાલિકાની ફાયર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ મકાનને સંપૂર્ણ ખાલી કરાવી દીધું છે. નગરપાલિકાની ટીમ દ્વારા મકાન માલિક આશારામ અંકુજી ચૌધરીને નોટિસ ફટકારી છે.

તેમજ આ મકાન ઉતારી લેવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે બે વર્ષ અગાઉ બનાવેલા મકાનના સ્ટ્રક્ચરને નુક્શાન થતા સહાય મળે તેવી પાલિકા સામે મકાનમાલિકે માંગ કરી હતી.