કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તાત્કાલિક બીજી હૉસ્પિટલમાં લઈ જવાની હતી : એમ્બ્યુલન્સ મોડી આવતા મોત
- સેમી વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલાનું મોત થતાં હોબાળો
- નડિયાદની એન.ડી. દેસાઈ હૉસ્પિટલમાં
નડિયાદ, તા. 20 જુલાઈ 2020, સોમવાર
નડિયાદ શહેરમાં કોરોનાની હોસ્પિટલે એક કોરોનાગ્રસ્ત આધેડ મહિલાને મોતના મુખમાં ધકેલી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આઇસીયુમાં સેમી વેન્ટીલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવમાંથી નેગેટીવ આવતા તાત્કાલીક ધોેરણે તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવાના નિર્ણયને કારણે મહિલાનું મોત નિપજ્યું છે. વળી જિલ્લાના આરોગ્યતંત્ર પાસે આઇસીયુની સગવડવાળી એમ્બ્યુલન્સ ના અભાવને કારણે પણ આ દર્દીએ જીવ ગુમાવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. મોડી રાત સુધી મરણ જનાર મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ ઉપર હલ્લાબોલ કરીને રોષ પ્રગટ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના અમદાવાદી દરવાજા બહાર વિસ્તારમાં આવેલ મનોહરનગર સોસાયટીમાં રહેતા શારદાબેન ગણપતભાઈ રાણા,ઉં.વ. ૬૪ને ગત્ ૨૯મી જૂનની સવારે શ્વાસની બીમારી થતા નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં લાવવામાં ંઆવ્યા હતા. જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલ હોવા છતાં તેને દર્દીને સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. જ્યાં પ્રાથમિક તપાસ બાદ ૨૯મી તારીખે જ સાંજે સાડા છ વાગ્યે સિવિલ હોસ્પિટલે દર્દીની ખરાબ થતી પોઝીશન ધ્યાને રાખીને ફરીથી મુખ્ય કોવિડ હોસ્પિટલ એન.ડી. દેસાઇમાં મોકલ્યા. પરંતુ આ હોસ્પિટલે દર્દીનો કોરોના રીપોર્ટ આવ્યો ન હોવાને કારણે ફરી એક વખત તેમને પાછા સિવિલ ધકેલ્યા. આથી પરિવારજનો શ્વાસની તકલીફમાં મરણ સામે ઝઝૂમતી મહિલાને પાછા સિવિલ હોસ્પિટલ લઇ ગયા. જ્યાં રાત્રે સાડા દશ વાગ્યે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ત્રીજા ધક્કે એન.ડી.દેસાઇ હોસ્પિટલે આ દર્દીને આઇસીયુમાં દાખલ કર્યા.
ત્યારબાદ ૧૭ દિવસની ટ્રીટમેન્ટને અંતે ગત્ ૧૮મીએ રાત્રે આ મહિલાનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો. આથી ગઇકાલે સવારે તેમને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે પરિવારજનોને બોલાવ્યા. સવારથી સાંજ સુધી શારદાબેનના બંને દિકરા તુષાર, નંદીશ તથા પતિ ગણપતભાઇ એન.ડી.દેસાઇ હોસ્પિટલ બેસી રહ્યા. પરંતુ એમ્બ્યુલન્સની સગવડ થઇ નહીં. ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે સિવિલ હોસ્પિટલમાંથી આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ઓક્સીજનના બોટલ સાથે એન.ડી.દેસાઇમાં આવી. અને શારદાબેનને શ્વાસની ભયંકર તકલીફ હોવા છતાં એન.ડી.દેસાઇના આઇ.સી.યુ.માંથી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. જ્યાં ગણતરીના કલાકોમાં જ શારદાબેનનું મોત નિપજ્યું હતું.