કોન્ટ્રાકટરે સ્મશાનમાં જવાનો રસ્તો બનાવવા માટી ઉપાડતા કૌભાંડનો પર્દાફાશ
- મહુધા તાલુકાના મિરઝાપુર ગામમાં
- પરવાનગી વિના માટી કાઢતા પંચાયતને આર્થિક નુકસાન તલાટી-કમ-મંત્રી કહે છે સરપંચને ના પાડી હતી
નડિયાદ, તા.1 જૂન 2020, સોમવાર
મહુધા તાલુકાના મીરઝાપુર ગામમાંથી ગેરકાયદેસર માટીનું ખનન થતુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.મીરઝાપુર વહેરામાંથી પરવાનગી વિના અમદાવાદ ડાકોર રોડના કોન્ટ્રાકટર દ્વારા ગામના સ્મશાનમાં જવાનો રસ્તો બનાવવા માટી લેવાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
મહુધાના મીરઝાપુર ખાતે ગ્રામજનોને સ્મશાનમાં જવાના રસ્તાના માટી પુરાણ કરવામાં આવી રહ્યુ હતુ.જેમાં સ્થાનિક નાગરિકોએ તપાસ કરતા માલૂમ પડયુ કે કોન્ટ્રાકટર દ્વારા વહેરામાંથી વગર પરવાનગીએ માટી કાઢી ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન પહોચાડવામાં આવી રહ્યુ હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માટી લેવા માટે અગાઉ મહુધા તાલુકા વિકાસ અધિકારી સાથે તલાટી સરપંચ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ટીડીઓ દ્વારા પરવાનગી વિના માટી ન લેવાની સલાહ આપી હતી.તેમ છતા ગ્રામ પંચાયત કોન્ટ્રાકટરને વગર પરવાનગીએ માટી આપી ગ્રામ પંચાયતને આર્થીક નુકસાન પહોચાડવામાં આવી રહ્યુ છે.આ અંગે મીરઝાપુર ગ્રામ પંચાયતને ત.ક.મંત્રીનો સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે સરપંચને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી.અને માટી કાઢવા માટે ટીડીઓની મંજૂરી મેળવીને માટી કાઢવા જણાવ્યુ હતુ.
આ અંગે સરપંચના પ્રતિનિધિ અમરતસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે મંજૂરી લીધી નથી. પરંતુ ગામના હિતમાં સ્મશાન સુધી જવાના રસ્તામાં માટી નાખવા જેસીબી અને ત્રણ ટ્રેકટરથી માટી નાખવામાં આવી રહી છે.
તલાટી-સરપંચને મનાઈ કરી હતી : મહિલા ટીડીઓ
આ અંગે મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયાનો સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે તલાટી અને સરપંચ બંનેને આ માટે મનાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત બંન્નેને ખાસ સૂચના આપી છે કે મંજૂરી લીધા વિના માટી લેવી નહી.