- પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવાઈ
- ચાલુ સરપંચના પતિ અને પૂર્વ સરપંચ એક બીજા ઉપર તૂટી પડયા, ગામમાં બંદોબસ્ત ગોઠવાયો
વિકાસના કામો બાબતે પૂર્વ સરપંચ અને અન્ય ગ્રામજનોએ માહિતી અધિકારનો ઉપયોગ કરીને વિકાસના કામો બાબતે માહિતીઓ માંગી હતી. તે સમય મર્યાદામાં ન મળતા છેલ્લા ઘણાં સમયથી પૂર્વ સરપંચ અને ગ્રામજનો ગ્રામસભાની માંગણી કરી રહ્યા હતા અને ગ્રામસભાની માંગણી બાબતની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી અને ડાકોર પોલીસ મથકે પણ કરવામાં આવી હતી. પરંતુ બંને અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી આંખ આડા કાન કર્યા હતા. જે બાબતને લઈને આજે ખીજલપુર સરપંચ અને તલાટી દ્વારા બપોરના ૧૨ કલાકે ગ્રામસભાનું આયોજન કર્યં હતું.
જે ગ્રામસભામાં ખીજલપુર તળપદના ગ્રામજનો સહિત પૂર્વ સરપંચ પ્રતાપભાઈ મહાભાઈ અને માહિતી માંગનાર અન્ય ચાર વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તેઓની રજૂઆત મુજબ ગ્રામ પંચાયતમાં ખીજલપુર ગ્રામ પંચાયતમાં ટ્રેક્ટરની અને વિકાસના સાધનોની ખરીદીમાં ખાયકી બાબતનો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો હતો. જે બાબતને લઈને સરપંચના પતિ અક્ષયભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને સામસામે ઉગ્ર બોલાચાલી કરતા હતા. જેમાં મામલો બીચકતા ચાલુ સરપંચના પતિ તથા તેમના માણસો પૂર્વ સરપંચ અને તેમના માણસો એકબીજા ઉપર છુટા હાથે મારામારી કરવા લાગ્યા હતા. જે મારામારીમાં પૂર્વ સરપંચ પ્રતાપભાઈ મહાભાઈને ઈજાઓ થઈ હોવાથી તેમને ૧૦૮માં ડાકોર સબ ડ્રીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સામસામે ફરિયાદો આપી હતી. હાલ ખીજલપુર તળપદ ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


