- 2 દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે
નડિયાદ : નડિયાદના સિંધી સમાજ દ્વારા આજે ચેટીચંડ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. શહેરના જવાહરનગર ખાતે આવેલ ઝુલેલાલ મંદિર રાધા સિંધુભવન ખાતે આ પર્વની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઇ છે.
શોભાયાત્રાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે ૧૦ કલાકે પૂજ્ય બહેરાણા સાહેબ તથા ઝૂલેલાલ ભગવાનના ભજન કિર્તન તથા ડાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બપોરે બે કલાકે શોભાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. આ શોભાયાત્રા જવાહર નગર વિસ્તારમાં ફરીને ઝુલેલાલ મંદિરે પરત આવશે. ત્યારબાદ રાત્રે ૧૦ કલાકે રંગારંગ કાર્યક્રમ યોજાશે. બીજા દિવસે ત્રીજી તારીખે રવિવારે સાંજે ૭.૩૦ કલાકે મહાઆરતી, ૮ વાગે ભંડારા (લંગર) પીરસવામાં આવશે. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે મનોરંજન કાર્યક્રમ થશે. ૪થી એપ્રિલે સોમવારે રાત્રે જવાહરનગરના નવજવાન યુવક મંડળ દ્વારા પર્વની પૂર્ણાહુતી કરવામાં આવશે. આ ઉત્સવમાં સિંધી સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં લાભ લેશે.


