Get The App

નડિયાદમાં કોમર્શિયલ કોમપ્લેક્ષનો બીમ જર્જરિત, અકસ્માતનો ભય

Updated: Jul 13th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદમાં કોમર્શિયલ કોમપ્લેક્ષનો બીમ જર્જરિત, અકસ્માતનો ભય 1 - image

- પાલિકાએ નોટિસ ફટકારી છતા ઢિલાસ

- વરસાદમાં ઇમારતને નુકસાન થવાની શક્યતા વચ્ચે લોકોના જીવનું જોખમ

નડિયાદ : નડિયાદ સંતરામ રોડ પર ફાયર બ્રિગેડની બાજુમાં આવેલી વર્ષો જૂની દુકાનોની બહાર છજુ કાઢી અને ભરાયેલા બીમ અત્યંત જર્જરીત બન્યા છે. આ બીમ એટલી હદે જર્જરીત છે કે, જો તે તૂટી પડે તો ત્યાં છજુ પણ ભોંય ભેગુ થાય અને આ દરમિયાન ત્યાં ધંધો કરતા દુકાનદારો અને લારી-પાથરણાં સહિત ત્યાં આવતા ગ્રાહકોને જાનહાનિ થાય તેવી શક્યતાઓ છે. નગરપાલિકાએ આ મામલે સબંધિત દુકાનદારોને નોટીસો પાઠવી હોવા છતાં કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ નડિયાદ નગરપાલિકાની સંતરામ રોડ પર વર્ષો જૂની દુકાનો આવેલી છે. આ દુકાનોની ઉપર સમ્રાટ ગેસ્ટ હાઉસ આવેલુ છે અને અહીંયા તેની માલિકીની જગ્યા છે. ફાયર બ્રિગેડ પાસે આવેલી આ દુકાનો અને તેની બહારનો બીમ અત્યંત જર્જરીત બની ગયો છે. આ બીમમાં તો કોંક્રિટ બહાર દેખાઈ રહ્યુ છે અને મસ મોટી તિરાડ પડી છે. 

આ સાથે જ આ લાઈનમાં આવેલી દુકાનો પણ જર્જરીત બની છે. જેથી નડિયાદ નગરપાલિકાએ આ દુકાનના માલિકો અને ઉપર સમ્રાટ ગેસ્ટ હાઉસની વ્યક્તિગત માલિકોને નોટીસો પાઠવી અને આ જર્જરીત દુકાનો ખાલી કરવા જાણ કરી છે. જો કે, સંતરામ રોડ જેવા હાર્દસ વિસ્તારમાં આ દુકાનો આવેલી હોય અને કમાણીનું કેન્દ્ર હોય, વેપારીઓ આ દુકાનો ખાલી કરવા તૈયાર નથી. બીજીતરફ બીમથી માંડી દુકાનો દેખીતી રીતે અત્યંત જર્જરીત બન્યા છે. જે ગમે ત્યારે પડે તેવા ભણકારા વાગી રહ્યા છે. આ તરફ અહીંયા લારી-પાથરણાં સહિત પાણીપુરીની લારીઓ છે. તેમજ અંદર કિરાણા સ્ટોરથી માંડી મિઠાઈ અને અન્ય કેટલીય જીવન જરૂરી સામગ્ર વેચાણ કરતી દુકાનો છે. જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકોની અવર-જવર રહે છે. તેવા સંજોગોમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ગમે ત્યારે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. નડિયાદ નગરપાલિકાએ આ દુકાનદારોને નોટીસ આપીને ચેતવ્યા હોવા છતાં દુકાનો બંધ કરવામાં વેપારીઓ આનાકાની કરી રહ્યા છે. પરીણામે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ તરફ નડિયાદ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ માત્ર નોટીસો આપીને સંતોષ માની રહ્યા છે. ત્યારે આ મામલે ગંભીરતા દાખવી અને તત્કાલ યોગ્ય પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે.