Get The App

એલઆઇબી શાખાનો એએસઆઇ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો

Updated: Aug 9th, 2024

GS TEAM

Google News
Google News
એલઆઇબી શાખાનો એએસઆઇ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો 1 - image

- નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતો

- ખોવાયેલા પાસપોર્ટ માટે પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવાના બદલામાં 40 લાખ માંગ્યા હતા

નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં એલઆઈબી શાખાનો એક પોલીસ કર્મચારી રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતોે. એક પરીવારનો દિકરો વિદેશમાં વર્ષોથી રહેતો હોવાથી અને ત્યાં પાસપોર્ટ ગુમ થઈ જતા, નવો પાસપોર્ટ કઢાવવા માટે એમ્બેસીમાં અરજી કરી હતી. જ્યાં અમેરીકાની ભારતીય એમ્બેસી દ્વારા પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ માંગ્યુ હતંુ અને તે સર્ટિફિકેટ યુવકની તરફેણમાં આપવા માટે નડિયાદ એલઆઈબીના એએસઆઈ દ્વારા ૪૦ લાખની માંગણી કર્યા બાદ રકઝકના અંતે  ૫ લાખમાં સોદો નક્કી કર્યો હતો. આજે આ ૫ લાખ રૂપિયા લેવા જતા પોલીસકર્મી અમદાવાદ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

નડિયાદ પોલીસ વડા રાજેશ ગઢીયાની કચેરીમાં એલઆઈબી  શાખામાં ભરતગીરી ગૌસ્વામી અર્નામ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. આ ભરતગીરીને આજે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગહાથ ઝડપી પાડયા હતો. ઉતરસંડાના પરીવારનો એક યુવક વર્ષોથી અમેરીકામાં રહે છે. આ યુવકનો અમેરીકામાં પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. જેથી યુવકે અમેરીકાની ભારતીય એમ્બેસીમાં પાસપોર્ટ કઢાવવા માટે અરજી આપી હતી. 

આ અરજી બાદ એમ્બેસી દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા અપાતુ પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ મંગાવ્યુ હતુ. જે માટે યુવકના પરીવારજનો દ્વારા આ સર્ટિફિકેટ કઢાવવા માટે અરજી કરાઈ હતી. જે સંદર્ભે આ પરીવાર પાસે એલઆઈબી શાખાના ભરતગીરી ગૌસ્વામી દ્વારા યુવકની તરફેણમાં ક્લીયરન્સ સર્ટિફિકેટ લખી આપવા માટે ૪૦ લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી. જેમાં રકઝકના અંતે ૫ લાખમાં ડીલ નક્કી થઈ હતી.

 જો કે, યુવકનો પરીવાર ૫ લાખ રૂપિયા આપવા માટે તૈયાર ન હોવાથી તેમણે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. તેમજ આજે આ લાંચની રકમ લેવા માટે એએસઆઈ ભરતગીરી ગૌસ્વામી પરીવાર પાસે તેમના ઘરે પહોંચ્યો હતો અને આ દરમિયાન એસીબીએ છટકુ ગોઠવી અને ભરતગીરીને ૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. 

એસીબીની કાર્યવાહીના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એકતરફ પારદર્શી વહીવટની વાતો ચાલી રહી હોય, ત્યાં ખુદ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલા એક વિભાગના કર્મચારીએ લાંચની આટલી મોટી રકમની માંગણી કર્યા બાદ લાખોની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હોય તે શરમજનક છે.

ભરતગીરી ગૌસ્વામી છેલ્લા ઘણા વર્ષોથી એ જ વિભાગમાં ચીટકી રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ તે એક જ વિભાગમાં ફરજ પર હતો. અનેક કર્મચારીઓની બદલી આવી છે, પરંતુ આજદીન સુધી આ ભરતગીરીની કોઈ બદલી કરાઈ નહોતી. જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા રહેમ નજર કેમ રાખવામાં આવી હતી, તે પણ મોટો પ્રશ્ન બન્યો છે.