મહેમદાવાદ પાસેથી કતલના ઇરાદે લઇ જવાતા પશુ બચાવી લેવાયા
- નવચેતન પાટિયા પાસેથી 2 શખ્સને દબોચી લેવામાં આવ્યા
- બે પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જનારા મહુધાના શખ્સો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરાઇ
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના નવચેતન મહુધા રોડ પરથી બે બળદોને કતલના ઇરાદે કુરતાપૂર્વક બાંધીને લઈને જતા બે શખ્સોને ગૌરક્ષકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહેમદાવાદના ગૌરક્ષક દળના સભ્યોએ બાતમી આધારે નવચેતન પાટિયાથી મહુધા રોડ તરફ બે બળદોને ટૂંકા દોરડાથી કુરતાપૂર્વક બાંધી લઈને ચાલતા જતાં શખ્સોની પૂછપરછ કરી હતી.
તેમની પાસે બળદ ખરીદી કર્યાનો સક્ષમ અધિકારીનો દાખલો મળી આવ્યો ન હતો. આ બંને શખ્સો સરફરાજ હુસેન મોહમ્મદ હુસૈન મલેક (રહે. મહુધા ફીણાવ ભાગોળ) તથા નવીભાઈ પુંજાભાઈ ચૌહાણ (રહે. રામ ના મુવાડા, મહુધા) ના હોવાનું જણાવ્યું હતું. આ બંને શખ્સને બે બળદો કિંમત રૂ. ૨૪,૦૦૦ સાથે મહેમદાવાદ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.