Get The App

આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઇને રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

Updated: Jul 11th, 2024

GS TEAM

Google News
Google News
આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઇને રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા 1 - image

- છેલ્લા 6 વર્ષથી માનદ વેતન વધ્યું નથી, આંદોલનની ચિમકી

- ખેડા જિલ્લાના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

નડિયાદ : સમગ્ર રાજ્યની આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોના માનદ વેતનમાં વધારા સહિતની પડતર માંગણીઓ બાબતે આંગણવાડી સંગઠન દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ આવેલ નથી. આ માગણીઓના સંદર્ભમાં ખેડા જિલ્લાની આંગણવાડીના વર્કરોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લાની આંગણવાડીના કાર્યકર હેલ્પરોએ મુખ્યમંત્રીને સંબોધન કરતું કલેકટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર- હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા સતત કામગીરી બજાવે છે. કેન્દ્ર સરકારનો આ પ્રોજેકટ છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮ પછી કોઈ જ માનદ વેતનમાં વધારો કર્યો નથી. જેના કારણે એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. જેની અલગથી કેન્દ્ર સરકારને રજુઆત કરાયેલ છે. રાજય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩ માં શ્રમજીવીઓના લઘુતમ વેતનમાં વધારો જાહેર કરેલ છે. જે રૂા.૪૯૬ દૈનિક વેતન કરેલ છે. આંગણવાડી વર્કર-હેલ્પરને લઘુતમ વેતન આપવુ જોઈએ. ત્રણ માસનાં આંદોલન બાદ પણ સરકાર માંગણીઓનો ઉકેલ લાવેલ નથી. ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજુ કરી હતી. તે પેકી એક પણ માંગણી ઉકેલાઈ નથી.

 વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી પૂર્વે આંદોલન બાદ થયેલ સમાધાન મુજબ વચનો આપવામાં આવ્યા હતા. જેમાં નવા ફ્રેશ સારી કવોલીટીનાં મોબાઈલ આપવા,વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશનની ૪૫ વર્ષની વય મર્યાદા દુર કરવી, નિવૃીત વય મર્યાદા ૬૦ કરવી, વર્કરના વેતનનાં ૭૫ % હેલ્પરને વેતન આપવા, આઈ.સી.ડી.એસ. સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી, આંગણવાડી વર્કરોની પ્રો. ફંડ, ઈ.એસ.આઈ., તથા પેન્શન યોજનાનો લાભ આપવા, આંગણવાડી વર્કરોને ભર પગારી રજા તથા માંદગીની રજામાં વધારો કરવા સહીતની રજુઆતો કરાઈ હતી જે વચનો પુરા કરાયેલ નથી.

આ બાબતે સતત રજુઆતો કરવા છતાં સરકાર ધ્વારા સંગઠન સાથે બેઠક યોજવામાં આવેલ નથી. જેથી ૧૦ મી જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ ધ્વારા પડતર માંગણીઓનો ઉકેલ લાવવા તથા સરકાર સાથે બેઠક યોજવા ગુજરાતના તમામ જીલ્લામાં રજુઆત કરીએ છીએ. જેમાં તાત્કાલીક તમામ જીલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોનાં મકાનભાડા, મસાલાના બીલો, ગેસના બાટલાના પૈસા, કન્ટીજન્સી, ફલેકસી ફંડ, વિગેરેનાં ચુકવણા સમયસમર નિયમિત કરવામાં આવતા નથી અને તે બાબતે મોટો ભ્રષ્ટાચાર ચાલે છે.

 તેના માટે ચોકકસ વ્યવસ્થા ફોલોઅપ મોનીટરીંગ સાથેની ગોઠવવા, સરકાર તમામ કામ ડીઝીટલ કરાવે છે. પરંતુ સરકારે આપેલ મોબાઈલ બંધ છે. બહેનો સરકારની આબરૂ બચાવવા પોતાના અંગત મોબાઈલ થી કામ કરતી હોવા છતાં મોટા ભાગનાં જીલ્લાઓમાં મોબાઈલ ઈન્સેન્ટીવના બીલો ચુકવવામાં આવ્યા નથી. અમદાવાદ- નવસારીનાં વર્કરોને ચુકવાણા થયા પરંતુ હેલ્પરોને ચુકવાણા નથી થયા, બીજા જીલ્લાઓમાં બીલકુલ ચુકવણું થયેલ નથી, દાહોદ જીલ્લામાં પોષણ સુધાનાં બીલો ચુકવાતા નથી,ઓડીટના નામે ધમકાવીને બેફામ લુંટ ચલાવી વર્કર પાસે પૈસા લેવામાં આવે છે, સુપ્રીમ કોર્ટનો હુકમ અને જીલ્લાઓમાં લેબર કોર્ટનો હુકમ થયેલ ગ્રેચ્યુઈટીનાં કેસોમાં ગ્રેચ્યુઈટીની રકમ ચુકવવામાં આવી નથી, બાળકોના પોષણક્ષમ આહાર માટે ખરીદવામાં આવતા મસાલા, ગોળ, શાકભાજી, ચણા, દાળ, વિગેરેનાં જુના ભાવ પોસાતા ન હોઈ- બજાર ભાવ પ્રમાણે બીલ ચુકવણા કરવા, દિવાળી બોનસ આપવા,રોજીંદી કામગીરી માટે સારી કવોલીટીનાં મોબાઈલ આપવા અથવા તેની રકમ વર્કરના ખાતામાં જમા કરાવવા, યુનિફોર્મની સિલાઈમાં વધારો કરી રૂા. ૩૦૦ મુજબ ચાર યુનિફોર્મનાં સિલાઈનાં રૂા.૧૨૦૦ લેખે આપવા સહિતની માંગણીઓ ઉપર તાત્કાલીક ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરી છે.