નડિયાદ ગોઠાજ વચ્ચે રેલવેના પાટા પર પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
- રેલવે ટ્રેક પર સાતેક કિલોના ભારે પથ્થરો મુકી દીધા
- નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નડિયાદ અને ગોઠાજ રેલવે સ્ટેશન વચ્ચે અંધજ ગામની સીમમાં અમદાવાદથી વડોદરા તરફ જતી રેલવે ટ્રેક પર ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિઓએ ટ્રેન ને અવરોધવાના આશયથી પાંચથી સાત કિલો વજનના મોટા મોટા પથ્થર ગોઠવી દીધા હતા. આ દરમિયાન રેલ્વે ટ્રેક પર સાંજના સમયે પુરપાટ પસાર થતી માલગાડી સાથે અથડાવાથી પથ્થર તૂટી રેલવે ટ્રેકની આજુબાજુ પડયા હતા.
જે અંગે માલગાડીના પાઇલોટે મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે જાણ કરી હતી જેના પગલે રેલવેના વડોદરા ડિવિઝનના સેક્શન ઇજનેર નવીનકુમાર ગુલાબચંદ રંજન સહિતના રેલવે વિભાગના અધિકારીઓ તેમજ નડિયાદ રેલવે પોલીસ ટીમ અને આરપીએફ ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.