- ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી ગ્રામ પંચાયત દ્વારા
- વનીકરણ, પેવરબ્લોક, વૃક્ષછેદન, શૌચાલયના નામે ઉઘરાણા સહિતના કામમાં ગેરરીતિ અંગે રજૂઆત
ડાકોર : ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી તાબે ખાખરીયામાં વાંઘરોલી ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ દ્વારા મનરેગા યોજનામાં ગેરરીતિ આચરી રૂા.૧૦ લાખ ઉપરાંતનો આર્થિક લાભ મેળવી ગુનો કર્યો હોવાની ગ્રામજનોએ મુખ્યમંત્રી, મનરેગા કમિશનર, ખેડા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી-નડિયાદ, નાયબ પ્રાંત કલેક્ટર ઠાસરા, તાલુકા વિકાસ અધિકારી ગળતેશ્વર અને જિલ્લા પોલીસ વડા નડિયાદને સામુહિક આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ મામલે યોગ્ય તપાસ કરી કસુરવારો સામે દંડનીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.ફુલભાઈ દેવાભાઈ મકવાણા, રમેશભાઈ કભાઈભાઈ રોહિત, ગોવિંદભાઈ મંગળભાઈ સેનવા સહિતના ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વાંઘરોલી ગામના ડેપ્યુટી સરપંચ હર્ષદભાઈ રાવજીભાઈ મકવાણા, મસ્ટર કારકુન સતીષભાઈ મણીલાલ મકવાણા, સરપંચ મલેક રફીકમિંયા, ભૂતપૂર્વ તલાટી આર.જે.ઠાકોર, તલાટી કમ મંત્રી વિજયભાઈ ચાવડા અને વી.સી. જ્યંતિભાઈ રણછોડભાઈ રાઠોડ સહિતના વ્યક્તિઓ દ્વારા વાંઘરોલી તાબે ખાખરીયામાં મનરેગા યોજનામાં ગેરરીતિ કરી આર્થિક લાભ મેળવી ગુનો કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
આ અંગે ગામના એક વ્યક્તિ દ્વારા ગત તા.૨૨મી ઓગષ્ટ, ૨૦૨૩ તથા તા.૧૭મી મે, ૨૦૨૪ના રોજ માહિતી અધિનિયમના કાયદા મુજબ અરજી કરી માહિતી મેળવી હતી. જેમાં વાંઘરોલી ગામના ડે.સરપંચ હર્ષદભાઈ દ્વારા ૩૧ જેટલા વ્યક્તિઓના ખોટા મનરેગા યોજનાના જોબકાર્ડ બનાવી કૌભાંડ આચર્યું હોવાનું ઉજાગર થવા પામ્યું હોવાની રજૂઆત કરી હતી.
તેમજ હર્ષદભાઈ અને સતિષભાઈ સાથે જોબ ધારકો સાંઠગાંઠ ધરાવતા હોવાથી અને ખાખરીયા ગામે જુદા જુદા કામો બતાવી તે કામોમાં જણાવ્યા મુજબની કોઈ જ કામગીરી કરેલી ન હોવા છતાં ખોટા બીલો બનાવી મોટી રકમની ખાયકી કરી છે.
જેમાં વણકર સમાજ સ્મશાનગૃહમાં વનીકરણ બતાવી રૂા.૨૫૬૦૦૦, રામજીમંદિરમાં વનીકરણ બતાવી રૂા.૨૫૬૦૦૦, જોબકાર્ડ ધારક ઉભા કરી રામજી મંદિર વનીકરણમાં રૂા.૮૬૩૪૪, વણકર સમાજ સ્મશાનગૃહ વનીકરણમાં રૂા.૧૦૯૬૮૦, આંબેડકર ચોક ખાતે પેવર બ્લોકમાં રૂા.૫૪૯૭ વાપરેલા હોવાનું ખોટી રીતે દર્શાવી સ્થળ ઉપર કામગીરી કરેલી ન હોવાનું તેમને જાણવા મળ્યું હોવાની રજૂઆત કરી હતી.
વધુમાં વાંઘરોલીના ડે.સરપંચ હર્ષદભાઈએ ખાખરીયા ગામે પંચાયતની જમીનમાં આવેલા લીલા વૃક્ષો ગ્રામ પંચાયતની પરવાનગી વગર કે હરાજી વગર આશરે ૧૦ ટ્રેક્ટર જેટલા વેચી માર્યા હોવાનો, શૌચાલય બનાવવાની લાલચ આપી ૧૦૦ કરતા વધુ લાભાર્થીઓ પાસેથી રૂા.૫૦૦ લેખે ઉઘરાવી પોતાના ખીસ્સા ભરી ખાયકી કરી હોવાના આક્ષેપ લગાવ્યા હતા.આ અંગે એક નાગરિક દ્વારા તા.૨૨મી ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ લેખિતમાં રૂબરૂ ટીડીઓ, ડીડીઓ અને તાલુકા પ્રાંત અધિકારીને જાણ કરી હોવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આ તમામ જવાબદારો તથા કૌભાંડમાં સંડોવાયેલા તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેની સામે કડકમાં કડક પગલાં લેવા આવેદનપત્રમાં માંગ કરાઈ છે.તેમજ સમગ્ર મામલે ભીનું સંકેલવાની કે પડદો પાડવાની કોશિશ કરાશે તો જાહેર હિત માટે અને જાહેર જનતાના અધિકારોને લઈ હાઈકોર્ટમાં તમામ કસુરવારો સહિત લાગતા વળગતા અધિકારીઓને પક્ષકાર બનાવી જાહેર હિતની અરજી દાખલ કરવા સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.આ અંગે તાલુકા વિકાસ અધિકારી આર.એસ. જોશીએ જણાવ્યું હતું કે, અરજદારની અરજી મળી છે, તેની તપાસ કરાવીશું તેવો રટેલો જવાબ આપ્યો હતો.


