- ડેપ્યુટી સરપંચે ગ્રામજનોની સહી સાથે લેખિત ફરિયાદ ગ્રામસભામાં કરી
- કેટલાક સ્થળોએ નળ નંખાયા નથી, માત્ર નીક થકી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઇ
ગામમાં મહાદેવની બાજુમાંથી ગામના વિસ્તારોને આવરી લઈ અને મુખ્ય તળાવ સુધીની ગટર લાઈન મંજૂર કરાઈ હતી. આ કામગીરી હીના ટ્રેડ્સ નામની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી અને આઠેક માસ પહેલા આ કામગીરી પૂર્ણ કરી દેવાઈ હતી. જો કે, આ ગટર લાઈન નાખતા દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાક સ્થળોએ નળ નાખવામાં આવ્યા નથી અને માત્ર નીક રાખી અને પાણીનો નિકાલ થાય તે મુજબની વ્યવસ્થા કરાઈ છે. તો આ ગટરનો છેડોે મુખ્ય તળાવ સુધી પણ લઈ જવાઈ નથી. જે-તે સમયે પંચાયત દ્વારા ૪ લાખના ખર્ચે કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ કરી અને ભ્રષ્ટાચાર આચરી લેવલીંગથી માંડી અને અન્ય કામગીરીમાં વેઠ ઉતારાઈ હતી. તેના કારણે જે રોડ પાસેથી ગટર લાઈન પસાર થાય છે, તે રોડ કરતા ગટર લાઈનનું લેવલ ઉંચુ છું.
આ મામલે ૧૧ જૂન, ૨૦૨૪ના રોજ પીપળાતા ગ્રામ પંચાયતની ગ્રામસભા દરમિયાન ડે.સરપંચ સુરેશભાઈ પરમાર દ્વારા લેખિતમાં સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કરેલી લેખિત રજૂઆતમાં ગામના નાગરીકોએ સહમતિ આપી હતી અને સહી કરી અને વિરોધ નોંધાવ્યો હતો. ગામના મુખ્ય રસ્તા પાસે શહીદ જી.ડી. પરમાર માર્ગ, દાદુરામ મંદિર, ધોળેશ્વર મહાદેવ મંદિર, મેેલડી માતાજીનું મંદિર આવેલુ છે અને રહેણાંક મકાનો પણ આવેલા છે. આ ગટરના કામમાં લેવલીંગ કરવામાં વેઠ ઉતારી હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરને પંચાયતના કામોમાંથી દૂર કરવા અને નવેસરથી આ ગટરનું યોગ્ય રીતે કામકાજ કરાવવાની માંગણી પ્રબળ બની છે.


