કઠલાલથી બાલાસિનોર સુધીનો અમદાવાદ- ઇન્દોર હાઇ-વે જર્જરિત
- ચોમાસામાં વાહન ચાલકો સહિત લોકોને તકલીફ પડતી હોવાથી ઠેરઠેર પડેલા ખાડા પુરવા ગ્રામજનોની રજૂઆત
નડિયાદ, તા.28 જૂન 2020, રવિવાર
અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર મસમોટા ખાડાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો માટે ફોર લેન રોડ બનાવી સુવિધા આપવામાં આવી હતી. જો કે રોડ પર ઠેરઠેર ખાડા અને તિરાડો પડી જતાં વાહનચાલકો ભારે અગવડતાનો સામનો કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદથી ઈન્દોરનો ત્રણસો કિમી જેટલો રસ્તો ફોર લેન બનાવી વાનહ ચાલકો માટે સગવડ કરી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અમદાવાદ ઈન્દોર હાઈવેમાં કઠલાલથી બાલાસિનોર સુધીનો રોડ અસંતુલીત બનાવ્યો છે. નેશનલ હાઈવે હોવા છતાં રોડ પર ઠેર ઠેર ખાડ પડી ગયા છે અને રોડ ઉપર મસમોટી તિરાડો પડી ગઈ છે જેના કારણે વારંવાર નાના વાહનચાલકો અને ફોરવ્હીલ વાહનોમાં અકસ્માત થવાના બનાવો બને છે.
વાહન ચાલકો દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી ટોલટેક્સના નામે મસમોટી રકમ વસૂલવામાં આવે છે. પરંતુ તેઓ દ્વારા રોડની દેખરેખ રાખવામાં આવતી નથી ત્યારે વાહનચાલકો આક્રોશ સાથે જણાવી રહ્યાં છે કે જો હાઈવે ઓથોરિટી દ્વારા તાકીદે રોડ રીપેર કરવામાં નહી આવે તો વાહનચાલકો દ્વારા પણ ટોલટેક્સ ભરવામાં નહિ આવે તો હાઈવે ઓથોરિટી દ્વારા તાકીદે કઠલાલ-બાલાસિનોર રોડ ઉપર ઠેરઠેર પડેલા ગાબડાં પૂરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.