For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નડિયાદમાં ધરાશયી થયેલા ફ્લેટ 18 મહિનામાં નવા બનાવવાની જાહેરાત 4 વર્ષથી કાગળ પર

Updated: May 25th, 2023

Article Content Image

- 2019 ની દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હતા 

- અપક્ષના નગરસેવકે મુખ્યમંત્રી સમક્ષ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી : પ્રગતિનગરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો 

નડિયાદ : નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલા પ્રગતિનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાંથી એક બ્લોક રાત્રિના સમયે ધરાશાય થતા કાટમાળ નીચે દટાઈ જવાને કારણે ચાર રહીશોના મોત થયા હતા. દુર્ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય દ્વારા ૧૮ મહિનામાં જ નવા મકાનો બનાવી આપવાની જાહેરાત કરી હતી. 

જોકે, આજે ચાર વર્ષ વિતી ગયા હોવાછતાં પણ એક નવી ઈંટ સુદ્ધાં મૂકવામાં આવી ન હોવા મામલે નડિયાદ શહેરના અપક્ષ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તાકિદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી નડિયાદ ખાતે હાજર રહેવાના છે તે અગાઉ જ પ્રગતિનગરનો મુદ્દો ફરીથી પ્રકાશમાં આવ્યો છે.

નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલા પ્રગતિનગર અને પુનેશ્વર નગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૪૦ - ૪૫ વર્ષ જૂના મકાનોમાંથી બ્લોક નંબર એલ - ૨૬, ૯ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક માસુમ બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા. ઘટના બાદ જર્જરીત હાલતમાં ફેરવાયેલા ૯૦૦ મકાનોને તંત્ર દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને ૧૮ મહિનાની અંદર નવા મકાનો બનાવીને આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી. જોકે આ વાતને આજે ચાર વર્ષ થઇ ગયા હોવા છતાં પણ એક નવી ઈંટ સુદ્ધાં મૂકવામાં આવી નથી. જેને લઈને નડિયાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર ગોકુલ શાહ દ્વારા મુખ્યમંત્રીની નડિયાદ મુલાકાત પહેલા જ આ મામલે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

 નડિયાદમાં ભાજપ સરકારના વાયદાઓ સદંતર નિષ્ફળ જઈ રહ્યા હોવાનો આક્ષેપ કરીને તેઓએ વાયદા મુજબ નડિયાદના પ્રગતિનગરમાં નવા આવાસો બનાવવાના કામમાં કોઈ પ્રગતિ જ ન થઈ હોવાથી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારબાદ રિ-ડેવલપમેન્ટનો મુદ્દો પ્રકાશમાં આવતાં જ સ્થાનિક નેતાઓ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને ૬૧.૬૧ કરોડના ખર્ચે  આવાસોનું રી ડેવલપમેન્ટ બે વર્ષમાં કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે એ જાહેરાતને પણ અઢી વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક નેતાઓની અણઆવડતને કારણે હજી આવાસો તૈયાર થયા ન હોવાથી જવાબદારો સામે કાર્યવાહી કરવા મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. 

રૂપિયા 61.61 કરોડના ખર્ચે રિ-ડેવલોપમેન્ટની જાહેરાતનું સૂરસુરિયું 

ઘટના બાદ માત્ર ૧૮ મહિનાની અંદર અંદર નવું મકાન તૈયાર કરી આપવાના વાયદાઓ કરવામાં આવ્યા હતા. જોકે એકાદ વર્ષ સુધી કોઈ જ કામ ન થતા રહીશો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેને લઈને તુરંત જ ૬૧.૬૧ કરોડના ખર્ચે રિ - ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરી બે વર્ષમાં કામ પૂર્ણ કરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી જોકે આ જાહેરાત પણ લોલીપોપ જ સાબિત થઈ હતી.

2020 માં જુલાઈ મહિનામાં ટેન્ડર મંજૂર થયું હતું

દુર્ઘટના બાદ પ્રગતિનગર રી - ડેવલપમેન્ટ માટે ત્રણથી ચાર વખત ટેન્ડર ની જાહેરાત કર્યા બાદ પણ કોઈ ટેન્ડર ભરાયું નહોતું. જોકે, જુલાઈ ૨૦૨૦ માં ત્રણ ડેવલપરો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જેમાંથી શ્રીધર ઇન્ફ્રાકોન એલએલપીને આ ટેન્ડર મળ્યું હતું. ટેન્ડરની કિંમત ૫૮.૦૫ કરોડની રાખવામાં આવી હતી. જોકે, બાદમાં કોવિડને કારણે બિલ્ડીંગ મટીરીયલ્સના ઉત્પાદન ઉપર અસર થયા બાદ મટીરીયલ્સના ભાવમાં ૩૫% જેટલો વધારો થતા જુના ભાવ પ્રમાણે રિ - ડેવલપમેન્ટની કામગીરી અશક્ય હોવાનું બિલ્ડરે જણાવી દીધું હતું.  ૯૦૦ આવાસો સાથે પાકગ વત્તા સાત માળનું બાંધકામ બિલ્ડર દ્વારા રૂા. ૫૮.૦૫ કરોડમાં રાખવામાં આવ્યું હતું.

ભાડું પણ ચૂકવવામાં આવ્યું ન હતું

બ્લોક નંબર ૨૬ ની હોનારત બાદ ૯૦૦ મકાનોને તાકીદે ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. આ તમામ મકાનોમાં રહેતા રહીશોને ભાડું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં તંત્ર દ્વારા ભાડું પણ ચૂકવવામાં આવ્યું ન હતું કે મકાનોને રિ-ડેવલપ પણ કરવામાં આવ્યા ન હતા.

Gujarat