Get The App

ભિલોડાથી ખંભાત જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 16 ને ઇજા

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
ભિલોડાથી ખંભાત જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 16 ને ઇજા 1 - image

- બાયડની સરહદના રેલીયા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો

- ઇજાગ્રસ્તોને વાત્રક અને કપડવંજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા : એકની હાલત ગંભીર

કપડવંજ : બાયડ તાલુકાની સરહદે આવેલાં ખેડા જિલ્લાના કપડવંજના રેલીયા ગામ પાસે આજે ભિલોડાથી ખંભાત થતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ૧૬ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતાં કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. ઇજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાતાં રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને ટ્રાફિકજામને હળવો કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડાથી ખંભાત જતી બસમાં મોડાસા સહિતના અરવલ્લી જિલ્લાના તેમજ અન્ય પ૦ જેટલા મુસાફરો સવાર હતા. દરમિયાનમાં એસટી બસ બાયડ તાલુકાની પાસે આવેલા કપડવંજના રેલીયા ગામ પાસે પસાર થતી હતી ત્યારે એક પેટ્રોલપંપની સામે એક બાઇક ચાલકને બચાવવા માટે ચાલકે બસને એકાએક સાઇડમાં લીધી હતી દરમિયાનમાં ટ્રક સાથે એસટી બસ ટકરાતાં મુસાફરોએ ચીંચીયારીઓ મુકી હતી. 

જો કે, આ અકસ્માતમાં ૧૬ જેટલા મુસાફરોને નાની - મોટી ઇજા પહોંચતાં સારવાર અર્થે કપડવંજના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ઇજાગ્રસ્તોમાં એક મુસાફરની હાલત ગંભીર હોવાનું વિગતો સામે આવી છે. અકસ્માતના પગલે રોડની બંને સાઇડ ટ્રાફિકજામ સર્જાતાં રૂરલ પોલીસે દોડી આવીને મામલો થાળે પડયો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરો 

અકસ્માતમાં ઉસ્માનગનીભાઈ ફારૂકભાઈ શેખ (ઉં.વ.૪૬), અનીષાબાનુ ઉસ્માનગનીભાઈ શેખ (બંને રહે. કપડવંજ), લક્ષ્મીબેન દશરથસિંહ (ઉં.વ.૨૫),  દશરથભાઈ રામાભાઈ (ઉં.વ.૩૨, બંને રહે. વડોલ), પ્રેમીલાબેન શૈલેષકુમાર દવે (ઉં.વ.૨૦, રહે. મોડાસા), રાહુલભાઈ ભુરાભાઈ (ઉં.વ.૨૫, રહે. મોટી મંડોળી), સાગરકુમાર વિવેકભાઈ (ઉં.વ.૨૭, રહે. શામળાજી), અનેરી ચેતનભાઇ પટેલ (ઉં.વ.૨૦, રહે. મોડાસા), પરમાર જગાજી ગેમાજી (ઉં.વ.૪૫, રહે. જગડુપુર), ગબીબેન નાનાભાઈ (ઉં. વ. ૫૫, રહે. નિજામિયા), દેવ્યાનીબેન જીતેન્દ્રસિંહ (ઉં.વ. ૩૦), સિદ્ધરાજસિંહ જીતેન્દ્રસિંહ (ઉં.વ.૨૯, બંને રહે. અંતીસર), હિંમતભાઈ દીપાભાઇ પરમાર (ઉં.વ.૩૬, રહે.બાપુજીના મુવાડા), અવિનાશી માઈકલભાઈ (ઉં.વ.૩૫), સાનવી માઇકલભાઈ (બંને રહે. ચેતરસુબા) અને શિવનાથ યાદવ (ઉં.વ.૪૬, રહે.એહમદનગર, એમપી)ને ઈજાઓ પહોંચી હતી.