Get The App

દાદાને લેવા ખેડા જઇ રહેલા યુવાનનું મહેમદાવાદ પાસે અકસ્માતમાં મોત

Updated: Dec 6th, 2021

GS TEAM


Google News
Google News
દાદાને લેવા ખેડા જઇ રહેલા યુવાનનું મહેમદાવાદ પાસે અકસ્માતમાં મોત 1 - image


- મૃતક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો

- યુવકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોંગ સાઇડમાં જઇ ગરનાળામાં પડી હતી

નડિયાદ : મહેમદાવાદના યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. લગ્ન પ્રસંગે ખેડા ગયેલા દાદાને લેવા માટે આ યુવાન કાર લઇને નિકળ્યો હતો. રસ્તામાં છાપરા હાઇસ્કૂલ પાસે તેણે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ગરનાળામાં ખાબકી હતી. બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવાનનું મોત નિપજ્યું હતું. 

મહેમદાવાદ ખેડા રોડ પર તાજેતરમાં ટ્રક ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત નીપજયાં હતાં.જેની શાહી સુકાઇ નથી ત્યાં જ રવિવારે સમીસાંજે મહેમદાવાદ તાલુકાના છાપરાં નજીક કાર ગરનાળા સાથે અથડાતાં કાર ચાલકનું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

મહેમદાવાદ નવજીવન સોસાયટીમાં રહેતા વિરાલભાઈ જશભાઈ પટેલ ગઈ કાલે સાંજે ખેડા ખાતે મિત્રના દીકરાના લગ્નમાં જઈ કાર લઈ ઘરે આવ્યા હતા. જ્યારે તેમના પિતા લગ્નમાં રોકાયા હોવાથી તેમનો દીકરો ક્રિશ કાર લઈ દાદાને લેવા ખેડા જવા નીકળ્યો હતો. 

આ દરમિયાન સાડા સાત વાગ્યાના સુમારે છાપરા નોલેજ હાઇસ્કૂલ નજીક રોંગ સાઈડ જઈ ગરનાળા સાથે અથડાઇ ગટરમાં ઉતરી પડી હતી. જેથી ક્રિશ (ઉં.વ.૧૭)ને માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આ બનાવની જાણ વિરલ ભાઈને કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. આ યુવકને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે ક્રિશને મૃત જાહેર કર્યો હતો. ક્રિશ મહેમદાવાદ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આમ આશાસ્પદ યુવાન અકસ્માતનો ભોગ બનતા શોક વ્યાપી ગયો હતો.

આ બનાવ અંગે વિરલભાઈ જશુભાઇ પટેલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :