Get The App

દર્દીઓને નિઃશુલ્ક ઈકોમાં હોસ્પિટલ પહોંચાડતો નવાગામનો યુવક

Updated: Sep 23rd, 2024

GS TEAM

Google News
Google News
દર્દીઓને નિઃશુલ્ક ઈકોમાં હોસ્પિટલ પહોંચાડતો નવાગામનો યુવક 1 - image

- જન સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતી ઘટના

- વર્ષમાં 100 દર્દીઓને વિનામૂલ્યે સેવા આપી  કારમાં 24 કલાક સેવાનું બેનર પણ લગાવ્યું

નડિયાદ : માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નડિયાદ તાલુકાના નવાગામના વ્યક્તિ છેલ્લા વર્ષથી ૧૦૮ની જેમ પોતાની ઇકોમાં બિમાર વ્યક્તિને સારવાર અર્થે નિઃશુલ્ક હોસ્પિટલમાં લઈ જવાની સેવા આપી રહ્યા છે. ૨૪ કલાકમાં ગમે ત્યારે બિમાર વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે મોબાઈલ પર કોલ આવે એટલે ઈકો લઈને પહોંચી જાય છે. 

નવાગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતાં અલ્પેશભાઈ નટુભાઈ સોઢાને ઈકો લીધા બાદ બિમાર વ્યક્તિઓની સેવા કરવાનો વિચાર આવ્યો હતો. બાદમાં તેમણે ઈકો પાછળ કોઇ પણ દવાખાને ૨૪ કલાક ફ્રી સેવાનું બેનર લગાવી દીધું. નવાગામ, હાથજ, વાલ્લા, મરીડા, જાવોલ, પાલૈયા સહિત અંતરિયાળ ગામોમાં દર્દીઓને સારવાર અર્થે વિના મૂલ્યે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા તેઓ પૂરી પાડે છે. ૧૦૮ની જેમ આસપાસના ગામોમાંથી દર્દી લઇ જવાનો કોલ આવે એટલે પોતાની કાર લઈને સ્થળ ઉપર પહોંચીને કારમાં દર્દીને બેસાડીને હોસ્પિટલ પહોંચાડે છે. તેમણે કોઈપણ નાત- જાત કે જ્ઞાાતિના ભેદભાવ વિના એક વર્ષમાં ૧૦૦થી વધુ દર્દીઓને નિઃશુલ્ક હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડયા છે.

થોડા દિવસો પહેલા હાથજ પાસે રાત્રે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તેમણે ઈકો મારફતે હોસ્પિટલમાં પહોંચાડતાં તેનો જીવ બચી ગયો હતો. ઉપરાંત આ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલા પ્રસૂતિના વધુ કેસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. કાર માલિકની એક પાઈ પણ લીધા વિના દર્દીઓને સારવાર માટે દવાખાનામાં પહોંચાડવાની સેવાને પંથકના રહીશોએ બિરદાવી છે.